VIDEO: ઈરાનના નવા સુપ્રીમ લીડર કોમામાં? જાણો મોજતબા ખામેનેઈ અંગેના આ દાવા પર ટ્રમ્પે શું કહ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે ઈરાનના નવા નિયુક્ત સર્વોચ્ચ નેતા મોજતબા ખમેની હજુ પણ "કોઈને કોઈ સ્વરૂપે" જીવિત છે. ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી પદ સંભાળ્યા બાદ તેઓ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી. ટ્રમ્પની આ ટિપ્પણી અમેરિકી મીડિયાના એ અહેવાલ બાદ આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૮ ફેબ્રુઆરીએ તેહરાન કમ્પાઉન્ડ પર થયેલા અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ખમેની ઘાયલ થયા હતા (જેમાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું) અને તેઓ કદાચ કોમામાં છે.
એક શોમાં વાત કરતા ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે તેઓ કદાચ (જીવિત) છે. મને લાગે છે કે તેમને નુકસાન પહોંચ્યું છે, પરંતુ તેઓ કદાચ કોઈને કોઈ સ્વરૂપે જીવિત છે." આ ઇન્ટરવ્યુ ગુરુવારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે શુક્રવારે સવારે પ્રસારિત થયો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિની આ ટિપ્પણી મોજતબા ખમેનીના પદ સંભાળ્યા પછીના પ્રથમ જાહેર નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે સંકેત આપ્યો હતો કે ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સામેના યુદ્ધમાં પીછેહઠ કરશે નહીં.
ઈરાનીઓને સંબોધતા ખમેનીએ કહ્યું, "અમે તમારા શહીદોના લોહીનો બદલો લેવામાં જરાય પાછીપાની કરીશું નહીં." તેમણે એમ પણ કહ્યું કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરી દેવી જોઈએ અને દબાણ બનાવવા માટે તેના ખાડી આરબ પડોશીઓ પર હુમલો કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે ખાડી દેશોના લોકોને અમેરિકી સૈન્ય મથકો "બંધ" કરવા આહ્વાન કર્યું અને કહ્યું કે અમેરિકાનું સુરક્ષાનું વચન "જૂઠાણા સિવાય બીજું કંઈ નથી".
શું મોજતબા ખમેની કોમામાં છે?
તાજેતરના હુમલાઓ બાદ તેમની સ્થિતિ વિશે ચાલી રહેલી અફવાઓ વચ્ચે, એક બ્રિટિશ ન્યૂજના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૫૬ વર્ષીય ખામેનીએ પોતાનો એક પગ ગુમાવ્યો છે અને પેટ અથવા લિવરમાં ગંભીર ઈજાઓ થઈ છે. આ એ જ હુમલો હતો જેમાં તેમની પત્ની, એક બહેન, ભત્રીજી અને તેમના પિતા (સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની)ના મોત થયા હતા.
અગાઉ, એક ઈરાની રાજદૂતે પણ કહ્યું હતું કે યુદ્ધની શરૂઆતમાં જ ખમેની ઘાયલ થયા હતા. રાજદૂત અલીરેઝા સાલારિયનએ આ અઠવાડિયે કહ્યું હતું કે, "મેં સાંભળ્યું છે કે તેમના પગ, હાથ અને બાજુમાં ઈજા થઈ છે... મને લાગે છે કે તેઓ હોસ્પિટલમાં છે કારણ કે તેઓ ઘાયલ છે."

