VIDEO: ઈરાને ફરી વધાર્યું વિશ્વનું ટેન્શન! ઓમાન સાથે ડીલ છતાં હોર્મુઝ અંગે કરી મોટી જાહેરાત
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાની મીડિયામાં પ્રકાશિત થયેલા તેમના નિવેદન મુજબ, ઈરાન હાલમાં ઓમાન સાથે નવા દરિયાઈ માર્ગ અંગે વાટાઘાટો કરી રહ્યું છે, અને આ નવા માર્ગ સંબંધિત નકશા તથા કરારની વિગતો બેઠકમાં સામેલ થનારા દેશો સાથે શેર કરવામાં આવશે. અરાઘચીએ જણાવ્યું કે, ઓમાનમાં યોજાનારી બેઠકનો મુખ્ય એજન્ડા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા નવા દરિયાઈ માર્ગની સ્થાપના કરવાનો રહેશે. જોકે, તેમણે મક્કમપણે જણાવ્યું હતું કે, ઓમાન સાથેનો આ કરાર કોઈપણ સંજોગોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ફરીથી ખોલવાનો સંકેત આપતો નથી. અરાઘચીએ ઉમેર્યું કે, ઈરાન તરફથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે એક ચોક્કસ શરત રાખવામાં આવી છે. આ માટે અમેરિકાએ ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ હેઠળ પોતાની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરવું પડશે. જ્યાં સુધી અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતું નથી, ત્યાં સુધી હોર્મુઝને ખોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

