VIDEO: BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર, ચાબહાર પોર્ટ અને વેપાર મુદ્દે થશે ચર્ચા
છેલ્લાં 8 મહિનાથી યુદ્ધની આગમાં હોમાઈ રહેલું ઈરાન હવે ભારત સાથેના પોતાના સંબંધો અંગે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે. વિશ્વભરના ભારે દબાણ છતાં ભારતે ઈરાન યુદ્ધ દરમિયાન તટસ્થ વલણ જાળવી રાખ્યું છે અને ઈરાન સામે ક્યારેય પણ નકારાત્મક નિવેદન આપ્યું નથી. હવે ઈરાને ભારત સાથેના પોતાના સંબંધોની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે, તે ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે. નોંધનીય છે કે, ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે 31 ઑગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન આ બેઠક યોજાઈ હતી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગેઈએ ભારત અને ઈરાનના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે.

