VIDEO: ટ્રમ્પ ટેન્શનમાં, ડીઝલ મોંઘું થતાં આખો ખેલ બગડ્યો!
અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારી અને ડીઝલના રેકોર્ડબ્રેક ભાવ વધારાને કારણે દેશના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠા પર માઠી અસર પડી છે, જેનાથી અમેરિકન અર્થતંત્ર પર ગંભીર દબાણ સર્જાયું છે. શ્રમ વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, અમેરિકામાં મોંઘવારી ઊંચા સ્તરે યથાવત છે. ઓગસ્ટ મહિનામાં ગ્રાહક ભાવાંકમાં ગત વર્ષની સરખામણીએ 3.4 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે માસિક ધોરણે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન કિંમતોમાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો છે, જે અગાઉના મહિનામાં 0.1 ટકા હતો. કોવિડ મહામારી બાદ પહેલીવાર મોંઘવારીનું આ સ્તર યુએસ ફેડરલ રિઝર્વ માટે મોટો પડકાર બની ગયું છે અને મધ્યાવધિ ચૂંટણી નજીક હોવાથી ટ્રમ્પ પ્રશાસનની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અમેરિકામાં ઇંધણના ભાવોએ નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. યુએસ-ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઇંધણ માર્કેટ પ્રભાવિત થતાં ડીઝલની સરેરાશ કિંમત 6 ડૉલર પ્રતિ ગેલોનથી વધુ થઈ ગઈ છે. ડીઝલ મોંઘું થવાથી પરિવહન અને માલસામાનની હેરફેરનો ખર્ચ વધ્યો છે, જેના કારણે રોજિંદી વસ્તુઓની કિંમતો પર સીધી અસર પડી રહી છે.

