VIDEO: ‘મને મુજાહિદીને પકડી લીધી છે’, અફઘાનિસ્તાનમાં કેરળની ટ્રાવેલ વ્લોગરે મદદ માટે કરી અપીલ
કેરળની લોકપ્રિય મહિલા ટ્રાવેલ વ્લોગર (Travel Vlogger) અરુણિમાએ અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાંથી સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે. અરુણિમાએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં મુજાહિદીને (Mujahideen) તેની ધરપકડ કરી છે. તેણે પોતાની સ્થિતિ અંગે ભારત સરકાર અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરાવવા માટે મદદ માગી છે. જોકે, અરુણિમાની આ પોસ્ટ અને તેની ધરપકડના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
સોશિયલ મીડિયા પર કરી મદદની અપીલ
‘બેકપેકર અરુણિમા’ નામથી સોશિયલ મીડિયા પર સક્રિય અરુણિમાએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે અફઘાનિસ્તાનમાં મુશ્કેલીમાં હોવાનો દાવો કર્યો છે. તેણે લખ્યું છે કે, તે અફઘાનિસ્તાનના બામિયાનમાં છે અને તેને મદદની જરૂર છે. અરુણિમાએ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરી છે.
અરુણિમાએ પોતાની પોસ્ટમાં સ્થાનિક સત્તાવાળાઓ તરફથી મળેલા હોવાનું કહેવાતા એક સત્તાવાર સંદેશનું ભાષાંતર પણ શેર કર્યું છે. આ સંદેશના આધારે તેણે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં મુજાહિદીને તેની ધરપકડ કરી છે. જોકે, તેને કયા કારણોસર અને કયા અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે, તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
વિદેશ મંત્રાલય તરફથી હજુ કોઈ માહિતી નહીં
અરુણિમાની સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવ્યા બાદ તેના દાવાને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે, હાલ સુધી તેની ધરપકડની ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ભારતના વિદેશ મંત્રાલય તરફથી પણ આ મામલે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેથી અરુણિમાની હાલની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.
અફઘાનિસ્તાનમાં બનાવી રહી હતી વીડિયો
અરુણિમા છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનની મુસાફરી કરી રહી હતી. તેણે ત્યાંથી પોતાના સોશિયલ મીડિયા પેજ પર અનેક વીડિયો અને તસવીરો શેર કરી હતી. તેના વીડિયોમાં તે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન હેઠળ મહિલાઓની સ્થિતિ, સ્થાનિક લોકોમાં જોવા મળતો ભય અને વિવિધ પ્રકારના પ્રતિબંધો અંગે વાત કરતી જોવા મળી હતી.
અરુણિમાએ અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે સમય પસાર કરતી તસવીરો પણ શેર કરી હતી.
જો કે બાદમાં કેરળની એક ટ્રાવેલ બ્લોગર, હવે કહે છે કે તે ધરપકડના જોખમમાંથી બચી ગઈ છે. તેણે જણાવ્યું હતું કે બામિયાનના સ્થાનિક અધિકારીઓએ તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી, કારણ કે સ્થાનિક કાયદા મુજબ મહિલાઓ પુરુષ સાથી કે માર્ગદર્શક (ગાઇડ) વિના મુસાફરી કરી શકતી નથી.

