ઈરાનના હુમલામાં અમેરિકાનું કેટલું નુકસાન? IRGCએ કર્યો મોટો દાવો, 500થી વધુ સેૈનિકોના મોત

ઈરાને અમેરિકી એરબેઝ અને ઈઝરાયેલ પર વળતા હુમલા તેજ કર્યા છે. સામે પક્ષે ઈઝરાયેલ અને અમેરિકા પણ ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ મોટો દાવો કર્યો છે. IRGCના જણાવ્યા અનુસાર, ઈરાની હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. આ ઉપરાંત, અમેરિકી યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર પણ ચાર બેલિસ્ટિક મિસાઈલો દાગવામાં આવી છે, જેનાથી અમેરિકાને ભારે નુકસાન થયું હોવાનો દાવો છે.
જોકે, આ દાવાઓની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને અમેરિકી પક્ષ તરફથી સત્તાવાર આંકડા આવવાના બાકી છે. યુએસએ અત્યાર સુધી માત્ર ત્રણ અમેરિકી સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે કે ઈરાન પર વળતા હુમલા ચાલુ રહેશે અને સૈનિકોના મોતનો બદલો લેવામાં આવશે. આ જંગમાં હિઝબુલ્લાહ પણ ઈરાનના સમર્થનમાં ઉતર્યું છે અને ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે.
કુવૈતમાં અમેરિકી નૌકાદળનું એરબેઝ બંધ
IRGC એ અન્ય એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે:
-
તેલ ટેન્કરો પર હુમલો: પર્સિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં યુએસ (US) અને યુકે (UK) ના તેલ ટેન્કરો પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે.
-
કુવૈત બેઝ તબાહ: કુવૈતમાં આવેલા અમેરિકી નૌકાદળના એરબેઝ પર મિસાઈલો દાગવામાં આવી છે. ઈરાનનો દાવો છે કે આ બેઝ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે અને તે હવે વાપરવા લાયક રહ્યો નથી, જેના કારણે અમેરિકાએ તેને બંધ કરી દીધો છે. અહીં સેંકડો સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા છે.
-
બહેરીનમાં નુકસાન: બહેરીનમાં સ્થિત અમેરિકી એરબેઝ પર પણ ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી તેના મોટા હિસ્સાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
કોણ છે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)?
IRGCની સ્થાપના 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી એક સમાંતર સૈન્ય દળ તરીકે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દેશની સરહદો જ નહીં, પરંતુ ક્રાંતિકારી શાસનની રક્ષા કરવાનો પણ છે.
-
સીધો રિપોર્ટ: સામાન્ય સેનાથી વિપરીત, IRGC સીધું ઈરાનના સુપ્રીમ લીડરને રિપોર્ટ કરે છે.
-
સ્વતંત્ર માળખું: તેનું પોતાનું કમાન્ડ સ્ટ્રક્ચર છે, જે સંરક્ષણ મંત્રાલયથી અલગ છે. તેની પાસે પોતાની આર્મી, નેવી અને એરફોર્સની પાંખો છે.

