Hindus in Bangladesh: 25 વર્ષની વિધવા અને દોઢ વર્ષની માસૂમ પુત્રી, દીપુના પરિવારે પૂછ્યું- 'અમે અમારો દેશ છોડીને ક્યાં જઈએ?'

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. મૈમનસિંહ જિલ્લાના ભાલુકામાં બનેલી દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યાએ સમગ્ર માનવતાને હચમચાવી દીધી છે. માત્ર 27 વર્ષની વયે ભીડ દ્વારા જીવતા સળગાવી દેવાયેલા દીપુનો પરિવાર આજે ન્યાય માટે વલખાં મારી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 18 ડિસેમ્બરના રોજ એક ફેક્ટરી કાર્યક્રમ દરમિયાન ભીડ દ્વારા દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ તેને બેરહેમીથી માર માર્યો અને ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાએ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પરિવારની કરુણ સ્થિતિ
દીપુના મૃત્યુ બાદ તેની પાછળ તેની 25 વર્ષની પત્ની મેઘા અને દોઢ વર્ષની માસૂમ દીકરી નોંધારા બની ગયા છે. મેઘાએ જણાવ્યું કે હત્યાના થોડા સમય પહેલા જ સાંજે 4 વાગ્યે તેની દીપુ સાથે વાત થઈ હતી. દીપુની માતાએ રડતા રડતા કહ્યું કે, "મેં તેને ફોન કર્યો હતો, પણ તે માત્ર 'હેલો' બોલી શક્યો અને ફોન કપાઈ ગયો."
'અમે દેશ છોડીને કેમ જઈએ?'
ભયના ઓથાર હેઠળ જીવવા છતાં દીપુના પિતાએ મક્કમતાથી સવાલ કર્યો છે કે, "આ અમારો દેશ છે. અમારી પેઢીઓએ અહીં કામ કર્યું છે. અમે શા માટે જઈએ? શું દેશને સુરક્ષિત બનાવી શકાતો નથી?" મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી હોવાનો આક્રોશ પરિવાર વ્યક્ત કરી રહ્યો છે.
ભારતની કડક પ્રતિક્રિયા
ભારત સરકારે આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ અત્યાર સુધીમાં હત્યા અને આગજનીની 2900 થી વધુ ઘટનાઓ બની છે. હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનાઓને મીડિયા દ્વારા અતિશયોક્તિ અથવા રાજકીય હિંસા તરીકે નકારી શકાય નહીં.

