હમાસને મળ્યા નવા વડા, કટ્ટરપંથી ખલીલ અલ-હય્યાના હાથમાં સોંપાઈ સંગઠનની કમાન

ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેની વાટાઘાટોમાં કટ્ટરપંથી આતંકવાદી સંગઠન હમાસ તરફથી મુખ્ય વાર્તાકાર તરીકે ખલીલ અલ-હય્યાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા અને નરસંહાર બાદ શરૂ થયેલા યુદ્ધ વચ્ચે, હમાસના અગ્રણી નેતાઓ યાહ્યા સિંવાર અને ઇસ્માઇલ હાનિયાની હત્યા પછી સંગઠનની કમાન પાંચ સભ્યોની લીડરશિપ કાઉન્સિલ પાસે રહી છે, જેમાં અલ-હય્યા પણ સામેલ હતો.
ગાઝાથી કતર સુધીની સફર
ખલીલ અલ-હય્યાનો જન્મ ગાઝા પટ્ટીમાં થયો હતો અને તેણે પોતાના જીવનનો મોટો ભાગ ત્યાં જ વિતાવ્યો છે. જોકે, 7 ઓક્ટોબરના હુમલાના થોડા સમય પહેલા જ તે ગાઝા છોડીને કતર જતો રહ્યો હતો અને ત્યારથી મુખ્યત્વે દોહામાં રહીને કામગીરી સંભાળી રહ્યો છે. કતરમાં રહીને તે અરબ દેશોના રાજકીય નેતૃત્વ સાથે સંપર્ક જાળવી રાખતો હતો. જુલાઈ 2024માં તેહરાનની મુલાકાત વખતે તે ઇસ્માઇલ હાનિયાની સાથે જ હતો, જે દરમિયાન હાનિયાની હત્યા કરવામાં આવી હતી.
7 ઓક્ટોબરના હુમલાને ગણાવ્યું હતું 'મહાન કાર્ય'
કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ખલીલ અલ-હય્યાએ 7 ઓક્ટોબર 2023ના હુમલાનો ખુલ્લેઆમ બચાવ કર્યો હતો અને તેને "મહાન કાર્ય" ગણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે આ હુમલાનો મુખ્ય હેતુ ઇઝરાયેલી સૈનિકોને બંદી બનાવીને જેલમાં બંધ ફિલિસ્તાની કેદીઓ સાથે બદલી કરવાનો હતો. અલ-હય્યાએ કહ્યું હતું કે, હમાસના નેતૃત્વને ખબર હતી કે આ 'મહાન કાર્ય'ની પ્રતિક્રિયા ખૂબ મોટી આવશે. પરંતુ, આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર રાજકીય સમીકરણ બદલીને ફિલિસ્તિનના મુદ્દાને ફરીથી આંતરરાષ્ટ્રીય મંચ પર ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો હતો.
શિક્ષણ અને સંગઠનમાં ભૂમિકા
અભ્યાસ: અલ-હય્યાએ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ ગાઝામાંથી B.A. કર્યા બાદ જોર્ડન યુનિવર્સિટીમાંથી 'હદીસ' વિષયમાં M.A. અને ત્યારબાદ Ph.D. ની ડિગ્રી મેળવી છે. તે 1987માં હમાસની સ્થાપના થઈ ત્યારથી જ આ સંગઠન સાથે જોડાયેલો છે. આ ઉપરાંત, તે 2006થી ગાઝા સિટીમાંથી ફિલિસ્તિનિયન લેજિસ્લેટિવ કાઉન્સિલનો સભ્ય પણ રહ્યો છે.
પરિવારના સભ્યોના મોત અને હુમલામાંથી બચાવ:
અલ-હય્યા અવારનવાર યુદ્ધવિરામની વાતો કરે છે, પરંતુ તેની મુખ્ય માંગણી 1967 પહેલાની સીમાઓ સાથે સંપૂર્ણ સ્વતંત્ર ફિલિસ્તાન રાજ્યની સ્થાપના કરવાની છે. ઇઝરાયેલી હુમલાઓમાં તેણે પોતાની પત્ની, પુત્રો અને અન્ય સંબંધીઓ સહિત પરિવારના અનેક સભ્યોને ગુમાવ્યા છે. વર્ષ 2025માં દોહા ખાતે થયેલા એક ઇઝરાયેલી હુમલામાં પણ અલ-હય્યા આબાદ બચાવ પામ્યો હતો.

