બુરખો કે હિજાબ પહેરવા પર થશે અઢી લાખ સુધીનો દંડ: ઈટાલીમાં મેલોની સરકારે રજૂ કર્યું બિલ

ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આગેવાનીવાળી દક્ષિણપંથી પાર્ટી 'બ્રધર્સ ઑફ ઈટાલી'એ સંસદમાં એક વિવાદાસ્પદ બિલ રજૂ કર્યું છે, જે દેશભરમાં સાર્વજનિક સ્થાન પર બુરખા અને ચહેરા ઢાંકવાવાળા પહેરવેશ પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ છે. આ પગલું 'ઇસ્લામી અલગતાવાદ' અને 'સાંસ્કૃતિક અલગતાવાદ'ને રોકવાના હેતુથી ઉઠાવવામાં આવ્યો છે. તેને મેલોની સરકારે 'ધાર્મિક કટ્ટરવાદ' સાથે જોડ્યું. આ હેઠળ ઉલ્લંઘન કરનારે 300થી 3,000 યૂરો (લગભગ 26,000થી 2.6 લાખ રૂપિયા) સુધીનો દંડ લાગી શકે છે.
આ બિલ 8 ઓક્ટોબરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શાળા, યુનિવર્સિટી, દુકાન, ઓફિસ અને અન્ય તમામ સાર્વજનિક જગ્યાએ ચહેરાને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પાર્ટીના 3 સાંસદો દ્વારા આ પ્રસ્તાવનો હેતુ ધાર્મિક કટ્ટરવાદ અને ધર્મ-પ્રેરિત ઘૃણાનો સામનો કરવાનું જણાવ્યું. મેલોની સરકારનો દાવો છે કે, આ પગલું ઈટાલીની સામાજિક એકજૂટતાને મજબૂત કરશે અને 'સાંસ્કૃતિક અલગતાવાદ'ને જડમૂળમાંથી સમાપ્ત કરી દેશે.
શું છે આખો મામલો?
ઈટાલીમાં પહેલાથી જ 1975નો એક જૂનો કાયદો હાજર છે, જે સાર્વજનિક સ્થળે ચહેરાને ઢાંકવા પર રોક લગાવી છે. પરંતુ, તેમાં બુરખાનો સ્પષ્ટપણે ઉલ્લેખ નથી કરતો. મેલોનીના ગઠબંધન લીગ પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં ચહેરો ઢાંકતા કપડાં પર કાયદાકીય પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હવે બ્રધર્સ ઑફ ઈટાલીએ તેને દેશવ્યાપી સ્તરે વિસ્તારવાનો નિર્ણય લીધો છે. બુરખા એક આખું શરીર ઢાંકનારૂ વસ્ત્ર છે, જેમાં આંખો પર ઝાળીદાર સ્ક્રીન જેવું કપડું હોય છે. જોકે, હિજાબ ચહેરાને ઢાંકે છે અને આંખોની આસપાસનો ભાગ ખુલ્લો રહે છે.
ઈટાલીની ઓળખ અને એકતાની રક્ષા માટેનો નિર્ણય
મેલોની સરકારના મંત્રીએ કહ્યું કે, 'આ બિલ ફ્રાન્સથી પ્રેરિત છે, જ્યાં 2011માં બુરખા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને ઈટાલીની ઓળખ અને એકતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.' હાલ, મેલોનીની ગઠબંધન સરકાર સંસદમાં બહુમતી ધરાવે છે, તેથી આ બિલને પસાર થવાની સંભાવના મજબૂત છે. જોકે, બિલ પર ચર્ચાની સત્તાવાર તારીખ જાહેર થઈ નથી.
ઇસ્લામી સંસ્થાઓના વિદેશી ફન્ડિંગ પર નજર
આ બિલ ધાર્મિક સંગઠનો પર નાણાંકીય પારદર્શિતાના નવા નિયમોને પણ થોપે છે, ખાસ કરીને તેમના પર જે રાષ્ટ્ર સાથે સત્તાવાર કરાર નથી કર્યા. સરકારનું કહેવું છે કે, આનાથી મસ્જિદ અને અન્ય ઈસ્લામી સંસ્થાઓની વિદેશી ફન્ડિંગ પર નજર વધશે, જે કટ્ટરવાદને વધારી શકે છે. બિલના માળખામાં કહેવામાં આવ્યું કે, 'ઇસ્લામી કટ્ટરવાદનો પ્રસાર... નિસંદેહ ઇસ્લામી આતંકવાદ માટે પ્રજનન સ્થળ છે.'
કેમ લેવાયો આ નિર્ણય?
વડાપ્રધાન મેલોની તેમના જમણેરી વિચારધારા માટે જાણીતા છે. તેમણે આ બિલને 'ઇસ્લામિક અલગતાવાદ' સામે એક શક્તિશાળી હથિયાર ગણાવ્યું છે. તેમનું માનવું છે કે, આવા કપડાં માત્ર સુરક્ષા માટે ખતરો જ નથી, પરંતુ સમાજમાં વિભાજનને પણ પ્રોત્સાહન આપે છે. ઈટાલીમાં લગભગ 5,00,000 મુસ્લિમ વસ્તી છે અને તાજેતરના વર્ષોમાં સ્થળાંતર અને સાંસ્કૃતિક એકીકરણના મુદ્દાઓ રાજકીય ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. મેલોની સરકારે અગાઉ સ્થળાંતર કરનારાઓ સામે કડક નીતિઓ અપનાવી છે, જેમ કે ભૂમધ્ય સમુદ્રમાં ગેરકાયદે બોટ રોકવા.
બિલની જાહેરાતથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જમણેરી સમર્થકો તેને રાષ્ટ્રીય ગૌરવનો બચાવ કહી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનો તેને 'ઇસ્લામ વિરોધી' કહી રહ્યા છે. ઈટાલીના અગ્રણી મુસ્લિમ સંગઠને કહ્યું કે, 'આ મહિલા સ્વતંત્રતા પર હુમલો અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.'

