VIDEO: બેંગકોકના પબમાં ભીષણ આગ! 27 લોકોના કરુણ મોત, 60થી વધુ ઘાયલ
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક પબમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ. આ દર્દનાક અકસ્માતમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી 22 લોકોની હાલત ગંભીર છે. ઘટનાસ્થળે પહોંચેલા પ્રત્યક્ષદર્શીઓએ ઓનલાઈન વીડિયો શેર કર્યા છે, જેમાં પબના દરવાજામાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આ દરમિયાન લોકોને જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરતા પણ જોઈ શકાય છે.
અડધી રાત્રે પબમાં લાગી આગ
અધિકારીઓનું કહેવું છે કે તેમને અડધી રાતની આસપાસ બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા 'ના લાદપ્રાઓ' પબમાં આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલા થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે જણાવ્યું કે 27 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
થાઈ પીએમે જણાવ્યું કે પબમાં પરફોર્મ કરી રહેલા એક મ્યુઝિશિયને તેમને કહ્યું હતું કે વીજળી ગુલ થઈ તે પહેલાં સ્ટેજ પાસે લાગેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. ત્યારબાદ એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો અને જોતજોતામાં આખી જગ્યાએ કાળોધિબાંગ ધુમાડો ભરાઈ ગયો. ઘણા પીડિતો પબના પાછળના ભાગમાં બનેલા રેસ્ટરૂમ (ટોયલેટ)માંથી મળી આવ્યા હતા.
22 ઘાયલોની હાલત ગંભીર
ન્યૂઝ એજન્સી એપીએ બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપુંટના હવાલાથી જણાવ્યું કે 63 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 22 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓ માટે પીડિતોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે, કારણ કે ઘણા લોકો પાસે આઈડી કાર્ડ નહોતા અથવા તેઓ બેભાન હતા. ઘટનાસ્થળે પોતાના સ્વજનોની માહિતી મેળવવા આવી રહેલા લોકો પાસેથી વિગતો એકત્ર કરવા માટે એક રજીસ્ટ્રેશન ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે.
ટોયલેટમાંથી મળી આવ્યા લોકોના શવ
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગે ગણતરીની મિનિટોમાં જ પબને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગ લાગવા દરમિયાન કેટલાક લોકો જીવ બચાવવા માટે ટોયલેટમાં છુપાઈ ગયા હતા. બચાવ ટીમોને ઘણા લોકોના મૃતદેહ ટોયલેટમાંથી જ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાયર ફાઈટરોએ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટના બાદ સામે આવેલી તસવીરોમાં પબની અંદરનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલો જોવા મળ્યો હતો, જેમાં બળેલી ટેબલો અને ખુરશીઓ નજરે પડતી હતી.

