VIDEO: બેંગકોકમાં ટ્રાફિક વચ્ચે ઓચિંતા 50 મીટર ઊંડો ખાડો પડતાં હાહાકાર
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક જાહેર રસ્તો ઓચિંતા જમીનમાં ધસી જતા 50 મીટર ઊંડો ખાડો પડ્યો. બેંગકોકની વજીરા હોસ્પિટલની આસપાસના વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો. આ વિશાળ ભૂવાને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો. અકસ્માત દરમિયાન કેટલાક વાહનો ખાડામાં ફસાઈ ગયા. રસાત પરના વીજ પોલ તૂટીને ખાડામાં પડ્યા.
રસ્તો અચાનક જમીનમાં ધસી ગયો
બેંગકોકની એક હોસ્પિટલની સામે બુધવારે વહેલી સવારે ઓચિંતા 50 મીટર ઊંડો ખાડો (ભૂવો) પડ્યો. જેમાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા. આ ઘટનાથી રહેવાસીઓ ચોંકી ગયા. આ અકસ્માત માટે નજીકના ભૂગર્ભ રેલ્વે સ્ટેશનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે આ ભયાનક અકસ્માતની સાક્ષી પૂરી રહ્યા છે.
થાઈ રાજધાનીના ઐતિહાસિક જૂના શહેરના સેમસેન રોડ પર સ્થિત વજીરા હોસ્પિટલ પાસેના તમામ રસ્તાઓ સવારે 7 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા છે. એક પાઈપલાઈન ફાટતા પાણીનો પ્રવાહ વહેતા મોટો ભૂવો પડ્યો હતો. વીજ લાઈન તૂટતાં તણખાઓ ઝરતા હતા. સાર્વજનિક હોસ્પિટલની સામે આશરે 30મીટર બાય 30 મીટર પહોળો અને 50 મીટર ઊંડો સિંક હોલ બન્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો અને હોસ્પિટલના દર્દીઓને અન્ય સ્થળે સ્થળાંતરિત કરાયા હતા. સિંક હોલ ખુલ્યો ત્યારે અનેક વાહનો આ રસ્તા ઉપર હતા. રસ્તો જમીનમાં ધસી જતાં લોકો તાત્કાલિક રિવર્સમાં પોતાના વાહનો લેવા લાગ્યા હતા.
આ દુર્ઘટનામાં કોઈ મોત થયું નથી. હાલ ઈમરજન્સી ટીમ અને એન્જિનિયરિંગ ટીમો વિસ્તારને મરામત કરવા અને વધુ નુકસાન અટકાવવા માટે કામ કરી રહી છે. સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે કારણ કે સિંકહોલ સમગ્ર માળખાને જોખમમાં મૂકતા મુસાફરો માટે ચિંતા પેદા કરી છે.

