Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Even though the house has been washed away, a voiceless dog sits on the debris, waiting for its owner

નેપાળ ત્રાસદીની ભાવુક તસવીર: ઘર તણાઈ ગયું છતાં કાટમાળ પર બેસી માલિકની રાહ જોઈ રહ્યો છે અબોલ શ્વાન

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળ ત્રાસદીની ભાવુક તસવીર: ઘર તણાઈ ગયું છતાં કાટમાળ પર બેસી માલિકની રાહ જોઈ રહ્યો છે અબોલ શ્વાન
સોર્સ : gstv

નેપાળમાં ગત અઠવાડિયે આવેલી ભીષણ પૂરની હોનારતે ત્રિશૂલી બજારની આખી વસાહતને તબાહ કરી દીધી છે. 4 મકાનો પૂરના ભયાનક વહેણમાં તણાઈ ગયા હતા અને તેમાં રહેતા નાગરિકો પણ ગુમ છે. આ ઉજ્જડ અને બરબાદ થયેલા મકાનો વચ્ચે એક કાળો અને સફેદ રંગનો શ્વાન હજુ પણ એ જ જગ્યાએ બેસી રહ્યો છે, જ્યાં ક્યારેક તેનું ઘર અને આંગણું હતું. ગળામાં કોલર પહેરેલો આ શ્વાન કલાકો સુધી કાટમાળ પર બેસી રહે છે. આસપાસ જેસીબી મશીનો ચાલી રહ્યા છે અને રાહતકર્મીઓ કામ કરી રહ્યા છે, છતાં તે ત્યાંથી ખસવા તૈયાર નથી.

App Store

બિસ્કિટ આપીને પણ હટાવી શકાયો નહીં

રાહત કામગીરીમાં જોડાયેલા સ્વયંસેવકોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને બિસ્કિટ આપવામાં આવ્યા અને અલગ-અલગ નામોથી બોલાવવામાં આવ્યો, પરંતુ તેણે કોઈના તરફ ધ્યાન આપ્યું નહીં. તે વારંવાર એ જ સ્થળે પાછો આવી જાય છે, જે ક્યારેક મકાનનો મુખ્ય દરવાજો હતો. આસપાસ જેસીબીના અવાજ કે લોકોની અવરજવર છતાં તે ડર્યા વગર કાદવ-કીચડવાળા ભાગમાં જ બેસી રહે છે અને પોતાના જૂના ઘરની સીમા બહાર પણ જતો નથી.

સ્થાનિક લોકો જ કરી રહ્યા છે સારસંભાળ

તબાહ થયેલા 4 મકાનોના કાટમાળ વચ્ચે આ શ્વાન કયા પરિવારનો હતો તે કોઈ ચોક્કસપણે જાણી શક્યું નથી. શ્વાન ભીડ અને અવાજ વચ્ચે ખોરાક લેતો નથી, આથી રસ્તો શાંત થાય ત્યારે તેના માટે આસપાસ સૂકો ખોરાક અને પાણી મૂકવામાં આવે છે. પૂર દરમિયાન અન્ય શ્વાન ઊંચા અને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા હતા, પરંતુ આ શ્વાન પોતાના માલિકો અને ઘરની યાદમાં ત્યાં જ રહ્યો છે.

ત્રિશૂલી બજારની તારાજીનો મૌન સાક્ષી

જે લોકોએ આ હોનારતમાં પોતાના ઘર ગુમાવ્યા છે, તેઓ પણ હવે આ વફાદાર શ્વાનની સારસંભાળ કરી રહ્યા છે. માણસ કદાચ સમજી શકે છે કે હોનારતમાં બધું જ કેમ નષ્ટ થઈ ગયું, પરંતુ આ પ્રાણી માટે તેના પોતાના લોકો અચાનક ગાયબ થઈ ગયા છે. કાટમાળ વચ્ચે બેઠેલો આ શ્વાન હવે ત્રિશૂલી બજારની એ ભયાનક હોનારતનો મૌન સાક્ષી બની ગયો છે. જ્યાં ઘરો ઉજડી ગયા, સ્વજનો વિખૂટા પડી ગયા અને એક શ્વાન હજુ પણ પોતાના માલિકોના પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે.