VIDEO: અમેરિકામાં ભારતીયો પર સંકટ; H-1B વિઝાધારકો માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ નાબૂદ કરવાની તૈયારી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને H-1B અને અન્ય વિદેશી પ્રોફેશનલ્સ માટે નોકરી છૂટી ગયા પછી મળતા 60 દિવસના 'ગ્રેસ પીરિયડ' (છૂટની મુદત) ને નાબૂદ કરવાના પ્રસ્તાવની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા 6 ઓગસ્ટે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સોંપાયેલા આ પ્રસ્તાવને 27 ઓગસ્ટે કેટલાક સુધારા સાથે સંમતિ આપવામાં આવી છે. આ નિર્ણયથી અમેરિકામાં કાર્યરત હજારો ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનો પર અનિશ્ચિતતાના કાળા વાદળો ઘેરાયા છે.
ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર થશે સીધી અસર
હાલના નિયમો અનુસાર, નોકરી ગુમાવનારા H-1B, L-1 અને O-1 વિઝાધારક કર્મચારીઓને 60 દિવસ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નવો સ્પોન્સર શોધી શકે છે, પોતાના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરી શકે છે અથવા સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી શકે છે. H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જો આ 60 દિવસનો ગ્રેસ પીરિયડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, તો નોકરી ગુમાવતા જ ભારતીય પ્રોફેશનલ્સને રાતોરાત દેશ છોડવાની ફરજ પડી શકે છે.
નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા અને વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભૂતપૂર્વ સલાહકાર અજય જૈન ભુટોરિયાએ આ પ્રસ્તાવની આકરી ટીકા કરતા તેને અમાનવીય અને અકલ્પનીય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી, હેલ્થકેર અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં નવી નોકરી મેળવવી અને વિઝા ટ્રાન્સફરની કાગળની કામગીરી પૂરી કરવામાં મહિનાઓનો સમય લાગે છે. 60 દિવસનો સમય પણ ઓછો પડે છે, જેને ઘટાડીને શૂન્ય કરી દેવો એ અત્યંત ગંભીર બાબત છે. તેમણે માર્ચ 2023 માં આ મુદત વધારીને 180 દિવસ કરવાની ભલામણ કરી હતી.
આગામી પ્રક્રિયા અને ફેડરલ રજિસ્ટર નોટિફિકેશન
આ પ્રસ્તાવનો રેગ્યુલેટરી ઇન્ફોર્મેશન નંબર 1615-AD 22 છે, જેને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે પછીના તબક્કામાં આ પ્રસ્તાવિત નિયમને 'ફેડરલ રજિસ્ટર'માં પ્રકાશિત કરવામાં આવશે, ત્યારબાદ જાહેર જનતા અને બિઝનેસ લીડર્સ પાસેથી સૂચનો તથા વાંધા-અરજીઓ મંગાવવામાં આવશે. ત્યાં સુધી જાન્યુઆરી 2017 થી ચાલી આવતી 60 દિવસના ગ્રેસ પીરિયડની વર્તમાન વ્યવસ્થા યથાવત રહેશે.

