ભૂસ્ખલન-પૂરની તબાહીમાં ચીને પહેલીવાર મોતનો આંકડો જાહેર કર્યો; 31 લોકોના મૃતદેહ મળ્યા, 531 લોકો હજુ ગુમ

ચીને નેપાળ સરહદ નજીક થયેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરની દુર્ઘટના અંગે પ્રથમ વખત સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગિરોંગ વિસ્તારમાં આવેલી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાંથી અત્યાર સુધીમાં 31 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 531 લોકો હજુ પણ ગુમ છે. આ માહિતી શુક્રવાર સાંજ સુધીની સ્થિતિના આધારે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટે ભૂસ્ખલન બાદ નદીમાં આવેલા ભીષણ પૂરના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ભવનમાં ઘૂસ્યા પૂરના પાણી
ચીનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના નેપાળ-ચીન સરહદ પર આવેલા ગિરોંગ ક્ષેત્રની છે. પહાડ ધસી પડ્યા બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને પૂરના પાણી સરહદ પર બનેલી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાં ઘૂસી ગયા હતા. આ જ ઇમારતમાં હાજર 531 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. બચાવ ટુકડીઓ સતત કાટમાળ અને આસપાસના વિસ્તારમાં શોધખોળ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ગુમ થયેલા લોકોનો 987 વ્યક્તિગત સામાન પણ મળી આવ્યો છે, જેના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બચાવ કામગીરીમાં હાઇવે અને વીજળી બની અવરોધ
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં સૌથી મોટો અવરોધ જી-216 હાઇવેને કારણે આવી રહ્યો છે. ગિરોંગ પોર્ટ તરફ જતો આ હાઇવે પૂરના કારણે વચ્ચેથી તૂટી ગયો છે, જેથી બચાવ દળને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ચીની અધિકારીઓએ રસ્તાનું નિરીક્ષણ કરતી વખતે એવી 58 જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં હજુ પણ ભૂસ્ખલન થવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત પૂરને કારણે અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેથી કામગીરી વધુ પડકારજનક બની છે.
જોખમી વિસ્તારોનું તારણ અને ઇમરજન્સી શેલ્ટરની વ્યવસ્થા
ચીની તંત્રનું કહેવું છે કે સરહદી વિસ્તારના તમામ જોખમી ઝોનની તપાસ કરી લેવામાં આવી છે અને સંભવિત ખતરાનું આંકલન પણ પૂર્ણ કરાયું છે. આ સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે બેઘર થયેલા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આશરો મળી રહે તે માટે બે સ્થળોએ ઇમરજન્સી શેલ્ટર હોમ (અસ્થાયી આશ્રયસ્થાન) તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

