VIDEO: ચીનએ સોની કરી અધધ ખરીદી, સપ્ટેમ્બરમાં ફરી ખરીદ્યું 29,418 કરોડનું ગોલ્ડ
દુનિયા ડૉલરને સૌથી મોટો સહારો માને છે, પરંતુ ચીનની ચાલ કંઈક અલગ છે. ડ્રેગન સતત 23 મહિનાથી સોનું ખરીદી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પણ આશરે 23 ટન સોનું ઉમેર્યું, જેની કિંમત લગભગ 29 હજાર 418 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, આ જ મહિનામાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર 38 અબજ ડૉલર ઘટી ગયો છે. અહેવાલો અનુસાર ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બૅંક ઑફ ચાઇનાના આંકડા મુજબ, ઑગસ્ટના અંતમાં તેની પાસે 76.73 મિલિયન ફાઇન ટ્રોય ઓંસ સોનું હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ આંકડો વધીને 77.47 મિલિયન ટ્રોય ઓંસ થઈ ગયો. એટલે કે એક મહિનામાં આશરે 7.40 લાખ ટ્રોય ઓંસ સોનું ઉમેરાયું. એક ટ્રોય ઓંસ આશરે 31.10 ગ્રામનું હોય છે. તેને કિલોમાં બદલીએ તો આશરે 23 હજાર 17 કિલો, એટલે કે 23.02 ટન સોનું થાય. અને સૌથી ખાસ વાત એ છે કે, સપ્ટેમ્બરની આ ખરીદી સાથે ચીને સતત 23મા મહિને પોતાનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું છે.

