VIDEO: બિલ ગેટ્સની ભયાનક ચેતવણી, AIથી થઈ શકે છે 100 કરોડ લોકોનાં મોત
AIના ઝડપથી થઈ રહેલા વિકાસ વચ્ચે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે અમેરિકામાં AI માટે સરકારી નિયમન અને કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એક ઇન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું કે માત્ર AI કંપનીઓના સ્વનિયમનથી કામ નહીં ચાલે અને વોશિંગ્ટનમાં કાયદા બનાવવાની જરૂર છે. ગેટ્સના જણાવ્યા મુજબ AIના વિકાસ સાથે સુરક્ષા અને મોનિટરિંગ માટે સ્પષ્ટ વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે કાયદા અમલ કરનારી એજન્સીઓ અને રાજકીય નેતાઓએ AI માટે સુરક્ષા વ્યવસ્થા તથા દેખરેખ અંગેની ચર્ચામાં સામેલ થવું જોઈએ. તેમના મતે આવા નિયમોથી AI ઉદ્યોગ પર થોડો વધારાનો વહીવટી બોજ આવી શકે છે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસને નાટકીય રીતે ધીમો નહીં પાડે. ગેટ્સે AIના જોખમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે AI એટલી શક્તિશાળી બની શકે છે કે તેનો દુરુપયોગ મોટા પાયે જાનહાનિનું કારણ બની શકે. ખાસ કરીને ખરાબ ઇરાદા ધરાવતા લોકોના હાથમાં અદ્યતન AI ટૂલ્સ પહોંચે ત્યારે જોખમ વધી શકે છે. આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે AI ઉદ્યોગમાં ટેક્નોલોજીના વિકાસની ગતિ અને સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે.

