નેપાળ પૂર હોનારત બાદ નદીમાં વહી આવ્યું બેંક લોકર, તોડીને લોકોએ કાઢી લીધા ₹92 લાખ; 29 લોકોની ધરપકડ

નેપાળમાં વિનાશક પૂર (Nepal Flood) વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાસુવા જિલ્લાના ભોટેકોશી વિસ્તારમાંથી પૂરનાં પાણીમાં વહી ગયેલી બેંકની ભારે તિજોરી ધાદિંગ જિલ્લામાં ત્રિશૂલી નદીના કિનારે મળી આવી હતી. ત્યારબાદ કેટલાક લોકોએ આ લોકર (Bank Locker) તોડીને અંદર રહેલી મોટી રકમની રોકડ કાઢી લીધી હોવાનો આરોપ છે. પોલીસે કાર્યવાહી કરીને કુલ 29 લોકોને કસ્ટડીમાં લીધા છે.
પૂરનાં પાણીમાં વહીને ત્રિશૂલી નદી સુધી પહોંચ્યું લોકર
મળતી માહિતી મુજબ, રાસુવા જિલ્લાના ભોટેકોશી વિસ્તારમાં પૂરનાં ભારે પ્રવાહમાં બેંકની એક ભારે તિજોરી વહી ગઈ હતી. પાણીના જોરદાર પ્રવાહ સાથે આ તિજોરી ધાદિંગ જિલ્લાના ગલ્છી ગામપાલિકા-4 વિસ્તારમાં બેલખૂખોલા નજીક ત્રિશૂલી નદીના કિનારે આવી પહોંચી હતી.
સ્થાનિક લોકોને નદી કિનારે તિજોરી મળી આવ્યા બાદ કેટલાક લોકોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને માહિતી મળતાં જ નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળ (Armed Police Force)ની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
₹92 લાખથી વધુની રોકડ મળી
પોલીસે સ્થળ પરથી 29 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમની પાસેથી કુલ 92,68,505 નેપાળી રૂપિયા રોકડ મળી આવી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોટાભાગના આરોપીઓ ગલ્છી-4ના માસ્ટર ગામના રહેવાસી છે. કેટલાક લોકો ગલ્છી-6ના આદમઘાટ અને સિદ્ધલેક-7ના આદમટાર વિસ્તારના હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઉપરાંત ચિતવન અને પર્સા જિલ્લાના મૂળ રહેવાસીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હવે પોલીસ આ રકમ કઈ બેંકની છે અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરી રહી છે.
પૂર વચ્ચે મૃતદેહ પરથી પણ દાગીના ચોરાયા
નેપાળમાં કુદરતી આપત્તિ (Natural Disaster) વચ્ચે માનવતાને શરમાવે તેવી બીજી ઘટના પણ સામે આવી છે. નારાયણી નદી નજીક પૂરનાં પાણીમાં વહીને આવેલા એક મહિલાના મૃતદેહમાંથી બે વ્યક્તિઓએ કાનની સોનાની બુટ્ટી (Gold Earrings) કાઢી લીધી હોવાનો આરોપ છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
નેપાળમાં પૂરથી વિનાશ
નેપાળમાં ભારે વરસાદ અને પૂરથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. નેપાળના આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDRRMA)ના અપડેટ મુજબ, આ વિનાશક આપત્તિમાં અત્યાર સુધીમાં 626 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા વધીને 2,426 થઈ ગઈ છે. ગુમ થયેલા લોકોમાં 517 વિદેશી નાગરિકો પણ સામેલ હોવાનું જણાવાયું છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી (Relief and Rescue Operation) હજુ પણ મોટા પાયે ચાલી રહી છે.

