Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Asim Munir's threat: If India builds a dam by violating the Indus Water Treaty, we will end the game

'અમે ડુબ્યા તો અડધી દુનિયાને લઇને ડુબીશું', અસિમ મુનીરે અમેરિકાથી ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'અમે ડુબ્યા તો અડધી દુનિયાને લઇને ડુબીશું', અસિમ મુનીરે અમેરિકાથી ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી
સોર્સ : google

Asim Munir News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને જંગી ટેરિફની ધમકીઓ આપવાનું શરૂ કર્યા બાદ વેપાર સોદા માટે સૌથી પહેલાં ભારત સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ભારતે વેપાર સોદામાં કૃષિ અને ડેરી ઉદ્યોગ ખોલવાનો ઈનકાર કરી અમેરિકાને શરણે ના થતા ટ્રમ્પનો અહંકાર ઘવાયો છે, જેના કારણે અમેરિકન પ્રમુખે ભારતને પરેશાન કરવા માટે હવે પાકિસ્તાન અને તેના ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને પોતાના પડખે લીધા છે, જે આખી દુનિયાને જોખમમાં મૂકી શકે છે. આની સાબિતી દુનિયાને રવિવારે મળી ગઈ છે. પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા કહ્યું છે, અમે તો ડૂબીશું, અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું. બીજી બાજુ ટ્રમ્પે પણ ભારત પર ટેરિફ વધારવાની સાથે પાકિસ્તાન પર ટેરિફ ઘટાડયો છે.

App Store

ભારતને પરમાણુ યુદ્ધની ધમકી

ઓપરેશન સિંદૂરમાં ભારત સામે કારમા પરાજયનો સામનો કરવા છતાં પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસિમ  મુનીરના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમણે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. અમેરિકન સૈન્યે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને અબોટાબાદમાં ઠાર કર્યા પછી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા હતા, જે હવે ટ્રમ્પના શાસનમાં ફરી સુધરી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વેપાર સોદા માટે ભારતને નમાવવામાં નિષ્ફળ જતાં તેમણે હવે ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનને પોતાની તરફે લીધું છે, જેને પગલે આસિમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ ધમકી આપી છે.

અડધી દુનિયાને અમારી સાથે લઈને ડૂબીશું

અમેરિકાના ટામ્પા શહેરમાં ઉદ્યોગપતિ અદનાન અસદે યોજેલા ડિનરમાં આસિમ મુનીરે કહ્યું કે, ભારત સાથે ભવિષ્યમાં યુદ્ધ થશે અને તેમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમાશે તો અમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા જરા પણ ખચકાઈશું નહીં. અમે પરમાણુ રાષ્ટ્ર છીએ. અમને લગાશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અડધી દુનિયાને અમારી સાથે લઈને ડૂબીશું.

આ સિવાય મુનીરે ભારતે રદ કરેલી સિંધુ જળ સંધી પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સિંધુ જળ સંધી રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25  કરોડ લોકો ભૂખમરીનો સામનો કરી રહ્યા છે. ભારત ક્યારે ડેમ બનાવે છે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. તે ડેમ બનાવી લેશે પછી અમે 10 મિસાઈલ હુમલા કરીને ડેમ તોડી પાડીશું. અમારી પાસે મિસાઈલોની અછત નથી.

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી પાકિસ્તાની આર્મી ચીફ મુનીરનો બે મહિનામાં બીજો અમેરિકા પ્રવાસ છે. 

મુનીર ફરી અમેરિકાની મુલાકાતે 

આ પહેલા જૂન 2025 માં મુનીરે અમેરિકાના પાંચ દિવસના પ્રવાસમાં પ્રમુખ ટ્રમ્પ સાથે ડિનર ભોજન કર્યું હતું. આ સમયે અમેરિકા અને પાકિસ્તાને ઓઈલ ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા હતા. અત્યારે મુનીર ફરી અમેરિકાની મુલાકાતે છે ત્યારે તેમણે અમેરિકાના વરિષ્ઠ નેતાઓ અને સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

દરમિયાન ટ્રમ્પના ટેરિફની ભારતીય ઉદ્યોગો પર અસર શરૂ થઈ ગઈ છે. ભારત પર ટ્રમ્પના 25 ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે અને વધુ 25 ટકા ટેરિફનો અમલ 27 ઓગસ્ટથી થવાનો છે ત્યારે અમેરિકાની અનેક કંપનીઓએ ભારતીય ગાર્મેન્ટ્સ કંપનીઓના ઓર્ડરો રદ કરવા માંડયા છે, અટકાવી રાખ્યા છે અથવા અન્ય દેશોમાં શીફ્ટ કર્યા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેતનામ સહિતના દેશો પર ટેરિફ ઓછો હોવાથી ભારતીય નિકાસકારોના રદ થયેલા સોદા પાકિસ્તાન અને બાંગ્લાદેશને મળી રહ્યા છે. આ દેશોમાં ટેરિફ 19 થી 36  ટકા છે. પાકિસ્તાન પર મહેરબાન થતા ટ્રમ્પે ટેરિફ 29 ટકાથી ઘટાડીને 19 ટકા કર્યા છે.

તમિલનાડુમાં અનેક નિકાસ કંપની બંધ થવાના આરે 

તામિલનાડુમાં પરિસ્થિતિ એટલી કથળી છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં જ નિકાસ પર નિર્ભર અનેક કંપનીઓ બંધ થવાના આરે પહોંચી ગઈ છે. તિરુપુરના એક નિકાસકારે જણાવ્યું કે, ભારતથી અમેરિકા જતા તમામ શિપમેન્ટ હવે પાકિસ્તાનને મળી ગયા છે. 

અમેરિકા બજારમાં થતી કુલ કાપડ નિકાસમાં માત્ર તિરુપુરની ભાગીદારી વાર્ષિક અંદાજે રૂ. 12000 કરોડ છે. તિરુપુર નિકાસકાર સંઘના અધ્યક્ષ કે.એમ. સુબ્રમણ્યમે કહ્યું કે, રૂ. 12000 કરોડની નિકાસમાંથી રૂ. 6000 કરોડની નિકાસ પર ટ્રમ્પના ટેરિફની અસર પડવાની શક્યતા છે. અમેરિકા સાથે નજીકના સમયમાં વેપાર સોદો નહીં થાય તો અનેક કંપનીઓએ તાળા મારવાની સ્થિતિ આવશે. જોકે, ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર પર હસ્તાક્ષર થયા હોવાથી તિરુપુરના વેપારીઓએ બ્રિટનના બજાર તરફ નજર દોડાવી છે.

આ સિવાય પાકિસ્તાન પર મહેરબાન થતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટાડી છે અને તેના બદલે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાની સંખ્યા વધારી છે.

ટ્રમ્પના ટેરિફનો વળતો જવાબ આપવા ભારતની તૈયારી

ભારત પણ હવે યુએસના સામાન પર રેસિપ્રોકલ ટેરિફ નાંખશે

- અમેરિકાના 86.5 અબજ ડોલરના સામાન પર ભારત કુલ 50 ટકા સુધીનો ટેરિફ નાંખે તેવી શક્યતા

- ટેરિફ મુદ્દે હાલમાં યુરોપે અમેરિકા સામે નમતુ ઝોખ્યું જ્યારે રેર અર્થની તાકાતથી ચીન યુએસને નમાવી રહ્યું છે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાનો દાવો કરીને કુલ 50 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ટ્રમ્પે ટેરિફ વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી વેપાર સોદા પર પણ વાટાઘાટો અટકાવી દીધી છે. ટેરિફ મુદ્દે વધતા તણાવ વચ્ચે હવે ભારતે અમેરિકાના સામાન પર રેસિપ્રોકલ ટેરિફ નાંખવાની તૈયારી હાથ ધરી છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફેબુ્રઆરી 2025 માં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ નાખ્યો હતો. . વિશ્વ વેપાર સંગઠનના નિયમો મુજબ ભારતે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને અમેરિકાને નોટિસ આપીને કહ્યું હતું કે, ટેરિફ ઘટાડવામાં નહીં આવે તો બરાબરનો જવાબ આપવામાં આવશે. જોકે, અમેરિકા આ મુદ્દે વાતચીત માટે તૈયાર થયું નહોતું. હવે ભારતે અમેરિકાને જવાબ આપવાની તૈયારી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારત અમેરિકાથી આયાત થતા કેટલાક મહત્વના ઉત્પાદનો પર ટેરિફ વધારી શકે છે. આ ઉત્પાદનોમાં બદામ, સફરજન, અખરોટ, મસૂર, કેમિકલ્સ, પેપર અને મોટરસાઈકલનો સમાવેશ થાય છે. અમેરિકાએ જૂન 2025માં ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કરી દીધા હતા. ત્યાર પછી 31 જુલાઈએ પણ બધા જ ભારતીય સામાન પર 25 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ સિવાય 6 ઑગસ્ટે ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના કારણે દંડ સ્વરૂપે વધુ 25 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આમ, ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પના ટેરિફની ભારતીય ઉદ્યોગો પર નકારાત્મક અસર પડવાનું શરૂ થઈ ગયું છે. આથી હવે ભારતે પણ અમેરિકાના 86.5 અબજ ડોલરના સામાન પર કુલ 50 ટકા સુધીનો રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની તૈયારી કરી હોવાનું કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.