VIDEO: અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી; ઈરાન ડીલ કરે અથવા સરન્ડર કરે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના અમેરિકા સાથે સમજૂતિ કરી લે અથવા તો સંપૂર્ણ સરન્ડર કરી લે. હોર્મુઝની ખાડી ખોલ્યા વગર ઈરાનને છૂટકો નથી. ટ્રમ્પે ઈરાનના નેતાઓ પર જૂઠાણા ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ટ્રમ્પની આ ધમકીઓ પર ઈરાનના મીડિયામાં મશ્કરી કરવામાં આવી હતી. ટ્રમ્પ મનઘડંત કહાનીઓ બનાવતા હોવાનું ઈરાને કહ્યું હતું.
ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સત્વરે હોર્મુઝની ખાડી ખોલી નાખે. જો એવું નહીં થાય તો મોટા હુમલા માટે તૈયાર રહે. ટ્રમ્પે ધમકી આપી હતી કે, હજુ પણ સમય છે ત્યાં અમેરિકા સાથે સમજૂતિ કરી લે. નહીંતર સંપૂર્ણ શરણે થવા માટે તૈયાર રહે. ટ્રમ્પે ઈરાનના નેતાઓ પર કટાક્ષ કરીને તેને બેમોંઢાળા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અંદરખાને અમેરિકા સાથે વાટાઘાટો કરતાં ઈરાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓ જાહેરમાં હોંકારા પડકારા કરીને શેખી મારે છે. જાહેરમાં જૂઠાણાં ચલાવવામાં ઈરાનના નેતાઓને કોઈ જવાબ નથી. ઈરાને વધુ એક વખત ધમકી આપતા કહ્યું હતું કે હું હોર્મુઝ અમેરિકાના કંટ્રોલમાં છે. અમેરિકન સૈન્યની મંજૂરી વગર કોઈ પસાર થઈ શકે તેમ નથી. હું ઈરાન પર મોટો હુમલો કરી શકું છું પરંતુ લોકોના જીવની પરવ હોવાથી હું એવું કરતો નથી.
બીજી તરફ ટ્રમ્પની વાતનો જવાબ આપતા ઈરાનના સરકારી મીડિયામાં મશ્કરી થઈ હતી. ઈરાને ટ્રમ્પને વાર્તાકાર ગણાવીને કટાક્ષ કર્યો હતો કે ટ્રમ્પ ધારે એવી મનઘડંત વાર્તા બનાવીને જાહેર કરે છે. તેને વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. ટ્રમ્પ પોતાની નબળાઈઓ છુપાવવ માટે ઈરાનને ધમકીઓ આપી હોવાનું નાટક કરે છે. ખરેખર તો ટ્રમ્પ માત્ર ખોખલી ધમકીઓ જ આપ્યા કરે છે.

