Video/ ન્યૂયોર્ક એરપોર્ટના રનવે પર જ મોટી દુર્ઘટના: પ્લેન અને ફાયર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, અનેક લોકો ઈજાગ્રસ્ત!
New York Airport Accident: અઅમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વ્યસ્ત લાગાર્ડિયા એરપોર્ટ (LaGuardia Airport) પર એક મોટી વિમાની દુર્ઘટના સામે આવી છે. મોન્ટ્રીયલથી ન્યૂયોર્ક આવી રહેલું એર કેનેડાનું મુસાફર વિમાન રનવે પર ઉતર્યા પછી ટેક્સી કરી રહ્યું હતું ત્યારે જ એક ફાયર ફાઇટર ટ્રક સાથે જોરદાર અથડાયું હતું. આ અકસ્માતમાં પાઇલોટ સહિત અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ટક્કર બાદ એરપોર્ટ પર હાઇ-એલર્ટ (High-Alert) જાહેર કરીને તમામ ફ્લાઇટ ઓપરેશન તાત્કાલિક રોકી દેવામાં આવ્યા હતા.
એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો હચમચાવી દેતો ઓડિયો
દુર્ઘટનાના થોડા સમય પહેલાનો એટીસી (Air Traffic Control) નો ઓડિયો લીક થયો છે, જેમાં કંટ્રોલરનો ફફડાટ સ્પષ્ટ સાંભળી શકાય છે. ઓડિયોની શરૂઆત સામાન્ય થાય છે, પણ અચાનક પરિસ્થિતિ વણસતા કંટ્રોલર ચીસો પાડીને કહે છે:"સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ! ટ્રક ૧ સ્ટોપ!" (Stop, stop, stop! Truck 1, stop).
પરંતુ ટ્રાફિક કંટ્રોલરની આ ચેતવણી છતાં અકસ્માત ટાળી શકાયો ન હતો. આ જ સમયે રનવે પર આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની અન્ય ફ્લાઇટને અકસ્માતથી બચાવવા હવામાં જ ગો-અરાઉન્ડ (Go-around) કરવાનો આદેશ આપી દેવાયો હતો.
અંદાજે 30 માઇલની ઝડપે થઈ ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, એર કેનેડાની ફ્લાઇટ નં. 8646 (Air Canada Flight 8646) મોન્ટ્રીયલથી 80 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે આવી રહી હતી. વિમાન રનવે પર લેન્ડ થયા બાદ અંદાજે 24 થી 30 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું ત્યારે જ સામેથી આવતી ફાયર ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અપ્રમાણિત વીડિયોમાં વિમાનના આગળના ભાગ (Nose/Cockpit) ને ભારે નુકસાન થયેલું જોઈ શકાય છે.
પાયલોટ સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ
અમેરિકી મીડિયા નેટવર્ક એનબીસી (NBC) ના અહેવાલ મુજબ આ ટક્કરમાં પાયલોટ અને કો-પાયલોટને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઉપરાંત ફાયર ટ્રકમાં સવાર સાર્જન્ટ અને એક અન્ય પોલીસ અધિકારીના હાડકાં તૂટી ગયા છે, જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આખું લાગાર્ડિયા એરપોર્ટ કરાયું બંધ!
આ ગંભીર અકસ્માત પછી એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે 4-2-2 (Runway 4) ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ટૂંક સમયમાં જ આદેશ જાહેર કરાયો કે: "લાગાર્ડિયા એરપોર્ટ હાલના સમય માટે સંપૂર્ણ બંધ કરવામાં આવે છે."
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ગ્રાઉન્ડ સ્ટોપ લગાવી દેવાયો હતો, જેના લીધે ન્યૂયોર્ક આવી રહેલી તમામ ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ (Divert) કરવામાં આવી હતી. હાલ ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ અને ઇમરજન્સી મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે તપાસ કરી રહી છે કે લેન્ડિંગના સમયે ફાયર ટ્રક રનવે પર કેવી રીતે આવી ગઈ.
ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર હાલમાં એરપોર્ટને ઓપરેશન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન અને ટ્રકની ભીષણ ટક્કર જોઈ શકાય છે. રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલુ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

