VIDEO: ટ્રિલિયોનર Elon Musk ની સંપત્તિમાંથી $600 અબજ સાફ, છતાંય દુનિયાના નંબર-1 અમીર!
ન્યૂયોર્ક : વિશ્વના એકમાત્ર ટ્રિલિયોનર ઇલોન મસ્કની સંપત્તિમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ થોડા સમય પહેલા ટ્રિલિયોનર બનનારા ઇલોન મસ્કની સંપત્તિ હવે અડધી જ રહી ગઈ છે. તેની નેટવર્થ લગભગ ૬૦૦ અબજ ડોલર ઘટીને હવે ૬૮૪ અબજ ડોલર જ રહી ગઈ છે. આટલા જંગી ઘટાડા છતાં પણ મસ્ક હજી વિશ્વમાં સૌથી વધુ ધનિક છે.
ઇલોન મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાનું કારણ તેમની સંપત્તિ સ્પેસએક્સના શેરોમાં બોલેલો કડાકો છે. આ ઉપરાંત ટેસ્લાના નબળા પરિણામની પણ અસર પડી છે. સ્પેસએક્સનો શેર બજારમાં લિસ્ટ થયા પછી તેની ટોચથી ૪૬ ટકા તૂટયો છે. ૧૬ જૂનના રોજ મસ્કની સંપત્તિ લગભગ ૧.૩૩ ટ્રિલિયન ડોલરની ટોચ પર હતી. આ તે સમયે હતો જ્યારે સ્પેસએક્સનો શેર પ્રતિ શેર રુ. ૨૦૨ના સૌથી ઊંચા ક્લોઝિંગ પર બંધ થયો હતો.
તેના પછી કંપનીનો શેર ૪૬ ટકા તૂટીને હવે ૧૦૮.૩૨ ડોલર થઈ ગયો છે. જ્યારે ટેસ્લાનો શેર ૩૧૧.૨૧ ડોલર છે. મસ્કે ઇતિહાસના સૌથી મોટા સ્પેસએક્સના આઇપીઓ દ્વારા ૭૫ અબજ ડોલર એકત્રિત કર્યા હતા. સ્પેસએક્સમાં જૂનમાં પ્રતિ શેર ૧૫૦થી ઊંચા ભાવે સોદા પડયા. આ શેર આઇપીઓના ૧૩૫ ડોલરના ભાવથી ૧૧ ટકા ઊંચા ભાવે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી ફક્ત ત્રણ જ સેશનમાં કંપનીના શેરમાં ૫૦ ટકાથી વધુ તેજી આવી હતી. તેના પછી તેનો શેર ૪૬ ટકા ઘટયો છે.
વિશ્લેષકોનું કહેવું છે કે આગામી દિવસોમાં સ્પેસએક્સના શેરો પર વધુ દબાણ આવી શકે છે. તેનું કારણ એ છે કે આ મહિને ૯૧.૧૫ કરોડ શેરોના લોક-ઇન સમયગાળો પૂરો થયા પછી આ શેર કારોબાર માટે ઉપલબ્ધ થશે. તેના કારણે બજારમાં શેરનો પુરવઠો વધતાં ભાવ પર વધુ દબાણ આવે તેવી સંભાવના છે.
મસ્કની સંપત્તિમાં ઘટાડાનું વધુ એક કારણ ટેસ્લાના શેરોમાં આવેલી નબળાઈ છે. ૨૨ જુલાઈના રોજ બીજા ત્રિમાસિક સમયગાળામાં ટેસ્લાના શેરોની કામગીરી નબળી રહી હતી. તેના લીધે ટેસ્લાના શેર ૧૭ ટકા ઘટયા છે. મસ્કની ઇવી બનાવતી કંપની બે વર્ષમાં પહેલી જ વખત નફાકીય અનુમાનોને પૂરા કરવામાં નિષ્ફળ ગઈ. તેથી તેણે નેગેટિવ કેશ ફ્લોના રિપોર્ટ આપ્યો.

