VIDEO: થાઈલેન્ડમાં 40 લોકોના મોત, 50 જિલ્લામાં કટોકટી, હજારો લોકો બેઘર
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ વખતે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર બે દિવસમાં અંદાજે 300 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબકતા બેકોકનાં અનેક વિસ્તારો નદી નહીં પરંતુ સ્થિર પાણીથી ભરેલા તળાવમાં ફેરવાઈ ગયા છે. આ કુદરતી આફતમાં પૂર સંબંધિત ઘટનાઓને કારણે લગભગ 40 લોકોના મોત થયા છે, જેમાં ડૂબી જવાથી અને કરંટ લાગવાથી મૃત્યુ પામેલા લોકો સામેલ છે. સરકારી આંકડા મુજબ હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચાઓ ફ્રાયા નદીના પૂરના મેદાન પર વસેલા બેંગકોકમાં કોંક્રીટના વધતા બાંધકામોથી નહેરોનો વ્યાપ ઘટતાં પાણીનો નિકાલ અટક્યો છે, જેના કારણે સરકારે તમામ 50 જિલ્લાઓમાં પૂરની આપત્તિ જાહેર કરી છે. પરિસ્થિતિ એવી ગંભીર બની છે કે લોકો ઘર સુધી જવા ઇન્ફ્લેટેબલ પૂલનો સહારો લઈ રહ્યા છે. વળી, પૂરના કારણે પ્રખ્યાત સુવર્ણભૂમિ એરપોર્ટનું સંચાલન પ્રભાવિત થતાં થાઈ એરવેઝના કર્મચારીઓ સમયસર ન પહોંચી શકવાથી હજારો સામાન ફસાઈ ગયો છે અને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.

