છત પર પિતા, સીડીઓ પર માતા-દીકરી અને બેડ નીચે પુત્ર, બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોની હત્યા

બાંગ્લાદેશના રંગપુર (Rangpur) શહેરના દાસપારા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોતથી ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી (65), તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી (50), 23 વર્ષની પુત્રી આગામી ચક્રવર્તી પ્રાર્થી અને 12 વર્ષનો પુત્ર પ્રિયમ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં પોલીસને ચારેયની ગળું દબાવીને હત્યા (Murder) કરવામાં આવી હોવાની આશંકા છે.
અલગ-અલગ જગ્યાએથી મળ્યા ચાર મૃતદેહ
પોલીસ અને CIDની ટીમ જ્યારે બંધ મકાનમાં પહોંચી ત્યારે પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળી આવ્યા હતા. ગણપતિ ચક્રવર્તીનો મૃતદેહ ઘરની છત પરથી મળ્યો હતો, જ્યારે તેમની પત્ની અને પુત્રીના મૃતદેહ સીડીઓ પરથી મળી આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 12 વર્ષના પુત્ર પ્રિયમનો મૃતદેહ બેડની નીચે છુપાયેલો મળ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના ચારેય મોબાઇલ ફોન ગુરુવાર રાતથી બંધ આવી રહ્યા હતા. પરિવારજનોને શંકા જતા તેઓ શનિવારે રાત્રે દાસપારા સ્થિત મકાન પર પહોંચ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો અને અંદરની તમામ લાઇટ પણ બંધ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગળું દબાવી હત્યાની આશંકા
રંગપુર મેટ્રોપોલિટન CIDના અધિકારીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ચારેયની ગળું દબાવીને હત્યા (Strangulation) કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસના મતે આ ઘટના ગુરુવાર મધરાતથી શુક્રવાર વહેલી સવાર વચ્ચે બની હોવાની શક્યતા છે.
પરિવારની કોઈ સાથે દુશ્મની નહોતી
પરિવારજનોના જણાવ્યા અનુસાર ગણપતિ ચક્રવર્તીની કોઈ વ્યક્તિ સાથે દુશ્મની નહોતી. તેઓ ગયા વર્ષે 31 ડિસેમ્બરે રંગપુર જિલ્લા સ્કૂલમાંથી નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ હોમિયોપેથી પ્રેક્ટિશનર તરીકે કામ કરતા હતા. તેમની પુત્રીએ આ વર્ષે કારમાઇકલ કોલેજમાંથી અંગ્રેજીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું, જ્યારે 12 વર્ષનો પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આ કેસની તપાસ (Investigation)ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ, CID અને ડિટેક્ટિવ બ્રાન્ચ (DB)ની ટીમો મળીને હત્યાકાંડની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે હત્યા પાછળનું કારણ અને આરોપીઓ અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

