'હિન્દુ-મુસ્લિમની વિચારસરણીમાંથી બહાર આવો', 'વંદે માતરમ' પર શર્મિલા ટાગોરના નિવેદનથી ભડકી કંગના રનૌત

Kangana Ranaut vs Sharmila Tagore: ભારતના રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્' અંગે બોલિવૂડની બે જાણીતી અભિનેત્રીઓ વચ્ચે વૈચારિક મતભેદ સામે આવ્યો છે. દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા 'વંદે માતરમ્' અંગે આપવામાં આવેલા એક નિવેદન બાદ ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. કંગનાએ શર્મિલા ટાગોરની વિચારસરણીને સીમિત ગણાવીને તેમને 'હિન્દુ-મુસ્લિમ' માઇન્ડસેટમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે.
શર્મિલા ટાગોરે શું કહ્યું હતું?
એક ઈન્ટરવ્યૂ દરમિયાન શર્મિલા ટાગોરે 'વંદે માતરમ્' ગીત અંગે પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 'જે લોકો એક જ ઈશ્વર (એકેશ્વરવાદ)માં વિશ્વાસ ધરાવે છે, તેમના માટે આ ગીતના કેટલાક ભાગોને સ્વીકારવા મુશ્કેલ બની શકે છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીતના શરૂઆતના બે પદ દરેક માટે સરળ છે, પરંતુ તેના પછીના પદોમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી જેવી હિન્દુ દેવીઓનો ઉલ્લેખ આવે છે. તેથી એક જ ઈશ્વરમાં માનતા લોકો માટે 'વંદે કાલી' કે 'વંદે દુર્ગા' કહેવું થોડું કઠિન બની જાય છે.' અભિનેત્રીએ આ વાત તમામ ધર્મોના લોકોને સાથે જોડવાના અને સર્વસમાવેશક દૃષ્ટિકોણથી રજૂ કરી હતી.

કંગના રનૌતની પ્રતિક્રિયા અને સ્વામી વિવેકાનંદનો સંદર્ભ
શર્મિલા ટાગોરના આ નિવેદન બાદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ લખ્યું કે, 'એક કલાકાર તરીકે શર્મિલા જીના વિચારોથી મને આશ્ચર્ય થયું છે. કોઈપણ કવિતા કે ગીતમાં શબ્દો એક રૂપક (સિમ્બોલ) હોય છે. 'વંદે માતરમ્' એ આપણી આઝાદીની લડાઈની ભાવના છે અને તેને માત્ર ધાર્મિક સરહદોમાં સીમિત ન રાખવી જોઈએ.'

પોતાની વાતને મજબૂત કરવા કંગનાએ સ્વામી વિવેકાનંદના વિચારોનું ઉદાહરણ આપતાં કહ્યું કે, 'વિવેકાનંદજીએ દેશના યુવાનોમાં તાકાત અને ચૈતન્ય જગાડવાના હેતુથી લોખંડી હાડકાં તેમજ વીજળી જેવી નસો ધરાવતી યુવાપેઢીની માંગ કરી હતી. કોઈ કવિતામાં જ્યારે 'શક્તિ' શબ્દનો ઉપયોગ થાય છે, ત્યારે તેનો અર્થ કેવળ ધાર્મિક સંદર્ભ પૂરતો મર્યાદિત નથી હોતો, પરંતુ તે આંતરિક અને શારીરિક ક્ષમતાનું સૂચન કરે છે.'
હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર આવવા અપીલ
કંગનાએ વધુમાં ઉમેર્યું કે, 'હવે લોકોએ હિન્દુ-મુસ્લિમવાળી માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ. જો આપણે એક ઈશ્વરમાં માનતા હોઈએ તો પણ શારીરિક કે માનસિક ક્ષમતાને તબીબી ભાષામાં પણ 'શક્તિ' જ કહેવામાં આવે છે. આપણે એકબીજાની ભાવનાઓને સ્વીકારવી જોઈએ.'
'વંદે માતરમ્'નો ઐતિહાસિક સંદર્ભ
ઉલ્લેખનીય છે કે 'વંદે માતરમ્' ગીત 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું હતું, જે તેમની પ્રસિદ્ધ નવલકથા 'આનંદમઠ'નો એક ભાગ હતું. ભારત શાસન મુક્ત કરાવવાના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીત દેશભક્તો માટે સૌથી મોટો નારો બન્યું હતું. હાલમાં 'જન ગણ મન' ભારતનું રાષ્ટ્રગીત છે, જ્યારે 'વંદે માતરમ્'ને રાષ્ટ્રીયગાનનો દરજ્જો પ્રાપ્ત છે. બંને અભિનેત્રીઓના આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય ગાન અંગે ચર્ચા ફરી ગરમ થઈ છે.

