VIDEO: ANDAR NI VAAT/ અમદાવાદઃ આઠ વર્ષની તક્ષ્વીનો લિમ્બો સ્કેટિંગમાં ગિનીઝ રેકોર્ડ
અમદાવાદની 8 વર્ષની બાળકી તક્ષ્વી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં અશક્

અમદાવાદની 8 વર્ષની બાળકી તક્ષ્વી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં અશક્યને શક્ય બનાવી વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તક્ષ્વીએ લિમ્બો સ્કેટિંગમાં જમીનથી માત્ર 16 સેન્ટીમીટરની અત્યંત ઓછી ઊંચાઈએ ગોઠવાયેલા અવરોધોને અડ્યા વિના સળંગ 10 મીટર સુધી સ્કેટિંગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. અગાઉ આ રેકોર્ડ પુણેની માનવી પ્રધાનમા નામે હતો. માનવી 21.3 સેન્ટીમીટરની ઊંચાઈ પર 10 મીટર સુધી સ્કેટિંગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. તક્ષ્વીએ માનવીની 21.3 સેમીની ઉંચાઇ સામે માત્ર 16 સેમીના નીચલા સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માત્ર 8 વર્ષની તક્ષ્વીનો આ ર્કિર્તિમાન નાનીસુની વાત નથી. આ સ્તરે પહોંચવા માટે નાનકડી બાળકી અને તેના માતાપિતાએ ખુબ મહેનત કરી છે. લિમ્બો સ્કેટિંગના કડક આંતરરાષ્ટ્રીય નિયમો હોય છે. આ નિયમ મુજબ સ્કેટિંગ પૂરું કર્યા પછી ખેલાડીએ હાથના સહેજ પણ ટેકો લીધા વિના સીધા જ ઊભા થવું પડે છે. હાથ જમીનને અડી જાય તો આખો રેકોર્ડ અમાન્ય ગણાય છે. આ કઠિન પડકારને પાર કરવા માટે તક્ષ્વી માત્ર ૩ વર્ષની હતી ત્યારથી જ તેણીએ સ્કેટિંગના ક્લાસ શરૂ કરી દીધા હતા. આઠ વર્ષની ઉમરમાં તેણીએ ચાર વર્ષ જેટલો સમય તો માત્ર સ્કેટિંગ પાછળ જ આપ્યો હતો. રેકોર્ડ સુધી પહોંચવા માટે તક્ષ્વી રોજ વહેલ સવાર અને સાંજ કલાકો સુધી સ્કેટિંગ ટ્રેક પર કઠોર પરિશ્રમ કરતી હતી. તેમજ પોતાના શરીરને રબર જેવું લવચીક બનાવી દીધું હતું. તે નિયમિતપણે યોગા, એડવાન્સ સ્ટ્રેચિંગ અને ખાસ પ્રકારની બેલેન્સિંગ કસરતો કરતી હતી. આ ટ્રેનિંગ દરમિયાન તેણી ઘણીવાર નાની મોટી ઇજા થઇ હતી પણ તેણીએ ક્યારેય હાર માની નહી. પોતાની અદભુત સફળતા મુદ્દે ખુશી વ્યક્ત કરતા તક્ષ્વીએ જણાવ્યું કે, તેણીનું સપનું દેશ માટે કંઈક મોટું કરવાનું છે. હું જયારે ટ્રેક પર હોઉં ત્યારે મારુ ધ્યાન માત્ર લાઈન પૂરી કરવા પર જ હોય છે. આ સાથે તેણીએ પોતાના કોચ અને માતા-પિતાનો આભાર માન્યો હતો. તક્ષ્વીની સિદ્ધિ પર ગર્વ અનુભવતા તેના પિતા હર્નિલ વાઘાણી અને માતા દેવાંશી વાઘાણીએ જણાવ્યું કે, એક માતા-પિતા તરીકે આજે ખુશીનો કોઇ પાર નથી. દીકરીએ આ મુકામ સુધી પહોંચવા માટે દિવસ-રાત મહેનત કરી છે. ભણવામાં પણ તે એટલી જ તેજસ્વી છે. ગિનીઝ બુક તરફથી જ્યારે સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું ત્યારે તક્ષ્વી અને તેના પરિવારમાં ખુશીનો કોઇ પાર રહ્યો ન હતો. અમદાવાદની છોકરી ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધાતા ગુજરાતમાં માટે પણ ગૌરવની ક્ષણ છે.
-- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




