VEDIO:ANDAR NI VAAT/દુશ્મન દેશોના દાંત ખાટા કરી શકે તેવી આકાશી શક્તિ નેત્રથી ભારતીય સેના સજ્જ
દુશ્મન દેશના દાંત ખાટા કરી શકે તેવી આકાશી શક્તિ

દુશ્મન દેશના દાંત ખાટા કરી શકે તેવી આકાશી શક્તિ નેત્રને ભારતીય સેનામાં સામેલ કરવાની આખરી મંજૂરી મળી ગઇ છે. બેંગલોરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતના સંપૂર્ણ સ્વદેશી એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ નેત્રને વાયુસેનાના કાફલામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું હતું. નેત્રને DRDO, ભારતીય વાયુસેના અને ખાનગી કંપની દ્રારા વિકસાવવામાં આવ્યું છે. વાયુસેનામાં નેત્રના આગમનથી ભારત હવે અમેરિકા, રશિયા, ચીન, ઇઝરાયેલ અને સ્વીડન જેવા વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશમાં સામેલ થઇ ગયું છે. બ્રાઝિલિયન એમ્બ્રેર પ્લેટફોર્મ પર કસ્ટમાઇઝ થયેલ નેત્ર એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડારથી સજ્જ છે. જે હવામાં જ ૨૪૦ ડિગ્રી સુધી દુશ્મનના કોઈપણ ફાઇટર જેટ, હેલિકોપ્ટર, જાસૂસી ડ્રોન કે ક્રૂઝ મિસાઇલ પર નજર રાખી શકે છે. નેત્ર ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર દુર સુધી ટારગેટને ટ્રેક કરી શકે છે. નેત્ર માત્ર દુશ્મનોના ટારગેટ પર નજર રાખતું નથી. તે ભારતના સુખોઈ-૩૦, મિરાજ અને તેજસ જેવા શક્તિશાળી ફાઇટર જેટ્સને હવામાંથી જ રીઅલ-ટાઇમ ઓડિયો-વીડિયો ડેટા મોકલી દુશ્મનની ગતિવિધિ વિશે કમાન્ડ અને ગાઇડન્સ પૂરું પાડે પણ છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતીય પાયલોટોને દુશ્મન કંઈ સમજે તે પહેલાં જ તેના પર ત્રાટકવામાં મદદ કરે છે. નેત્રની સ્વદેશી સિસ્ટમ એન્ટી જામિંગ છે. નેત્ર માત્ર વાયુસેના માટે જ નહીં, પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચે એક મજબૂત કડી તરીકે કામ કરશે. દરિયાઈ સરહદો અને ટાપુઓ પર નીચી ઉડાન ભરીને આવતા શંકાસ્પદ જહાજો કે મિસાઈલોને શોધી શકશે. પહાડી અને દુર્ગમ સરહદી વિસ્તારોમાં સંરક્ષણ કરી શકશે. ૨૦૧૯માં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનને નેત્રએ ધુળ ચાટતું કર્યું હતું. આમ નેત્ર ભારતના દુશ્મન દેશોને ભરી પીવા માટે તૈયાર છે. નેત્રના આગમનથી ભારતીય વાયુ સેનાની વૈશ્વિક ઓળખ વધારે મજબુત બની છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




