NEWS 20 - 20: ટામેટાના ઉત્પાદકો પર આભ તૂટ્યું, ભાવમાં જોવા મળ્યો મોટો કડાકો
કર્ણાટકના રાયચુરમાં ટામેટાના ઉત્પાદકો પર આભ તૂટી પડ્યું છે. મુંબઈના ખરીદદારો ન આવતા અને નિકાસ પ્રક્રિયા ખોરવાતા ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખેતીમાં કરેલું લાખોનું રોકાણ ડૂબી જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ હવે સરકાર પાસે આર્થિક સહાય અને વળતરની ગુહાર લગાવી છે.
કર્ણાટકના રાયચુર જિલ્લામાં ટામેટાના ભાવમાં થયેલા મોટા કડાકાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈના ખરીદદારો ન આવતા અને યુદ્ધના કારણે નિકાસ અટકી પડતા બજાર તૂટી પડ્યું છે. જે ખેડૂતોએ ટામેટાની ખેતીમાં લાખોનું રોકાણ કર્યું હતું, તેઓને હવે પડતર કિંમત પણ મળી રહી નથી. સ્થાનિક બ્રોકરો દ્વારા અપાતા નીચા ભાવ અને નિકાસની નબળી સ્થિતિને પગલે ટામેટાના ખેતરોમાં જ સડવાની નોબત આવી છે.
ખેતીમાં મોટું નુકસાન વેઠતા રાયચુરના ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જિલ્લા પ્રશાસન અને સ્થાનિક પ્રતિનિધિઓએ તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય પૂરી પાડવી જોઈએ. રોકાણ ડૂબી જવાના ભય વચ્ચે ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર આ ગંભીર સ્થિતિમાં હસ્તક્ષેપ કરે અને ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.

