VIDEO : ANDARNI VAAT/ મણિપુરમાં ફરી હિંસાનો વિકરાળ દોર! 6 મૃતદેહ મળતા સળગ્યું રાજ્ય
મણિપુરમાં માંડ માંડ મૈતૈઈ અને કુકી વચ્ચે હિંસક સંઘર્ષ શાંત થયો હતો ત્યા હવે ફરી હિં

મણિપુરમાં માંડ માંડ મૈતૈઈ અને કુકી વચ્ચે હિંસક સંઘર્ષ શાંત થયો હતો ત્યા હવે ફરી હિંસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. મણિપુરના કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ભારે આક્રોશ અને તણાવની સ્થિતિ પેદા થઈ છે. આ મૃતદેહ ગત ૧૩ મેના રોજ કોન્શાખુલથી પરત ફરતી વખતે રસ્તામાંથી અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ હૃદયકંપાવનારી ઘટના સામે આવ્યા બાદ મણિપુરમાં ફરીથી હિંસાની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. આ ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે મણિપુર પોલીસ, સીઆરપીએફ અને આસામ રાઇફલ્સના 450 જેટલા જવાનોની 15 અલગઅલગ ટીમો બનાવવામાં આવી હતી. સુરક્ષા દળોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી સતત ૨૪ કલાક સુધી ગાઢ વિસ્તારોમાં મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જે અંતર્ગત બુધવારે બપોરે આ લાશ મળી આવી હતી. જોકે, તમામ મૃતદેહ એટલી હદે સડી ગયા છે કે માત્ર જોઈને તેમની ઓળખ કરવી અશક્ય બની છે. મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર પુષ્ટિ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હવે આ લોકોની સાચી ઓળખ માટે મૃતદેહોને ઇમ્ફાલની હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
છ નાગા બંધકોની ક્રૂરતાપૂર્વક હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મણિપુરના અલગઅલગ વિસ્તારો ફરી ભડકે બળવા લાગ્યા છે. ખાસ કરીને સેનાપતિ જિલ્લામાં આ હત્યાઓના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સેનાપતિ સ્થિત નાગા પીપલ્સ ફ્રન્ટની મુખ્ય ઓફિસને નિશાન બનાવી તેને આગ ચાંપી દીધી હતી, જેના કારણે આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં તોડફોડ અને આગજનીની ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. હિંસાનો આ નવો દોર શરૂ થતાં જ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે અને કડક નાકાબંધી લાગુ કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક પ્રજામાં વ્યાપેલો ભય અને ગુસ્સો જોતા સ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બનેલી છે. મણિપુરમાં હવે નાગા અને કુકી સમુદાય વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે.




