VIDEO: હવે AAPના મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશને લખ્યો પત્ર, લિકર પોલિસી કેસની સુનાવણીમાં હાજર નહીં રહે
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માને પત્ર લખીને દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણીમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સિસોદિયાએ જણાવ્યું કે, હવે તેઓ સત્યાગ્રહનો આશરો લેશે. જવાબમાં કોર્ટે કહ્યું કે, આ પ્રકારના આરોપ માત્ર અનુમાન પર આધારિત છે.
સિસોદિયાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે, ન્યાયાધીશના બાળકો કેન્દ્ર સરકારના વકીલ તરીકે સૂચિબદ્ધ છે અને સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે, તમારા બાળકોનું ભવિષ્ય તુષાર મહેતાના હાથમાં છે. તેથી અમને ન્યાયની કોઈ આશા નથી.
સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે, હવે તેઓ સત્યાગ્રહનો આશરો લેશે. આ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માને પત્ર લખીને કેસની સુનાવણીમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે પણ ન્યાયાધીશના પરિવાર સાથે સંબંધિત આરોપો લગાવ્યા હતા. આ ઘટનાક્રમ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ન્યાયાધીશને કેસમાંથી અલગ કરવાની અરજી ફગાવી દીધા બાદ સામે આવ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે, આ આરોપો માત્ર અનુમાન પર આધારિત છે અને પક્ષપાતની વાજબી આશંકાના કાનૂની ધોરણોને પૂરું કરતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટરૂમ ધારણા માટેનું મંચ ન બની શકે અને નક્કર પુરાવા વિના ન્યાયિક નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં. આવી અરજીઓ સ્વીકારવાથી સંસ્થાકીય વિશ્વસનીયતા નબળી પડી શકે છે તેમ કોર્ટે ચેતવણી આપી હતી.

