VIDEO:ANDARNI VAAT/તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે ફરીવાર જળ વિવાદ ઉભો થયો છે
કાવેરી નદીના પાણીની વહેંચણીને લઈને કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેનો દાયકાઓ જૂનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. કર્ણાટક સરકાર દ્વારા પ્રસ્તાવિત ૯,૦૦૦ કરોડના મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ સામે તમિલનાડુના ખેડૂતો અને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તિરુચિરાપલ્લી, તાંજાવુર અને નાગાપટ્ટિનમ જેવા કાવેરી ડેલ્ટા વિસ્તારોમાં ખેડૂતો રસ્તા પર અને નદીના પટમાં ઉતરીને અનોખા વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ કાવેરી નદીના સૂકા પટમાં રેતીમાં શરીર ઢાંકીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખુલા શરિર પર ગરમ રેતીમાં સુઇને ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું હતું કે આ ડેમ કોઇ પણ ભોગે બનવો ન જોઇએ. ખેડૂતોએ માંગ કરી હતી કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તત્કાલ ડેમની આગળની કાર્યવાહી અટકાવે. કેટલાક ખેડૂતોએ ખેતરમાં કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તમિલનાડુમાં ખેડૂતોનો વિરોધ જોતા મુખ્યમંત્રી સી. જોસેફ વિજય દ્વારા વિધાનસભામાં ડેમ પ્રોજેક્ટ વિરુદ્ધ એક પ્રસ્તાવ પણ સર્વાનુમતે પસાર કરાવ્યો છે.
મેકેદાતુ ડેમ કર્ણાટકના રામનગર જિલ્લામાં તમિલનાડુની સરહદથી માત્ર ૪ કિલોમીટર દૂર બની રહ્યો છે. કર્ણાટક સરકાર અહીં એક મોટું જળાશય બનાવવા માંગે છે. કર્ણાટક આ ડેમ દ્વારા બેંગલુરુ શહેર અને તેની આસપાસના વિસ્તારો માટે પીવાનું પાણી પુરુ પાડવા માંગે છે. આ સાથે ૪૦૦ મેગાવોટ જળવિદ્યુત ઉત્પન્ન કરવાનો છે. કર્ણાટકનું કહેવું છે કે માત્ર વધારાના પાણીનો સંગ્રહ કરશે જેથી તમિલનાડુને કોઈ નુકસાન નહીં થાય. તમિલનાડુના ખેડૂતો કર્ણાટકની આ દલીલને નકારે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કાવેરી બેસિન પહેલેથી જ પાણીની અછત વાળો વિસ્તાર છે. જો કર્ણાટક ઉપરવાસમાં વધુ એક ડેમ બનાવશે, તો નીચવાસમાં આવેલા તમિલનાડુના મેટ્ટુર ડેમ સુધી પહોંચતું પાણી ઘટી જશે. કાવેરીનો ડેલ્ટા વિસ્તારને રાજ્યનું ચોખાનું હબ છે. લાખો ખેડૂતોની ખેતી, આજીવિકા કાવેરી નદીના પાણી પર નિર્ભર છે. ખેડૂતોને ડર છે કે જો આ ડેમ બનશે, તો ૧૯ જિલ્લાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાશે અને લાખો ખેડૂતોને નુકશાન થશે. આ કારણે તમિલનાડુમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે.
------ બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

