VIDEO:ANDARNI VAAT/મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો થયા પાણી-પાણી!
માયાનગરી મુંબઈમાં તાજેતરમાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.. આ અતિભારે વરસાદના કારણે મહાનગરના નીચાણવાળા ભાગોમાં ટૂંકા સમયમાં જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વડાલા આરટીઓ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પણ આ અચાનક આવેલા પાણીના ભરાવાને કારણે મોટું દબાણ ઊભું થયું હતું. આ જ રીતે મુંબઈના અન્ય એક વ્યસ્ત ગણાતા સેનાપતિ બાપટ માર્ગ પર પણ આકાશી આફતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં પડેલા અત્યંત તીવ્ર વરસાદને કારણે મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કચેરીએ જતા કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોને આ ભીષણ વરસાદ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય મુંબઈના હાર્દ સમાન સાયન વિસ્તારમાં પણ ભારે વરસાદે ધબકતી મુંબઈને થોડા સમય માટે થંભાવી દીધી હતી. સાયનના મુખ્ય સર્કલ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના રોજિંદા કામકાજ ખોરવાઈ ગયા હતા..
જોકે, આ મુશળધાર આફત વરસી ગયા બાદ હવે મુંબઈગરાઓ માટે થોડા રાહતના સમાચાર છે. અગાઉ પડેલા અવિરત વરસાદે જ્યાં ચિંતા વધારી હતી, ત્યાં હવે હવામાનમાં પલટો આવ્યો છે અને હાલમાં મુંબઈમાં વરસાદ એકદમ સામાન્ય થઈ ગયો છે.. રસ્તાઓ પર ભરાયેલા પાણી પણ હવે ધીમે-ધીમે ઓસરી રહ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર ફરી એકવાર પૂર્વવત થઈ રહ્યો છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન અને બસ સેવાઓ પણ હવે નિયમિત સમય પત્રક મુજબ દોડવા લાગી છે. વહીવટીતંત્ર દ્વારા બાકી બચેલા પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત રાખવામાં આવ્યા છે જેથી નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

