VIDEO:ANDARNI VAAT/હવામાન બદલાતા જ થૂથુકુડીમાં વાવાઝોડાનું તાંડવ!
તામિલનાડુના દરિયાકાંઠાના જિલ્લા થૂથુકુડીમાં અચાનક બદલાયેલા હવામાન અને તીવ્ર ચક્રવાતી પવનોના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.. વાગાઈકુલમ ટોલ પ્લાઝા વિસ્તારમાં ફૂંકાયેલા અત્યંત વેગવંતા પવનોના કારણે ત્યાં લોખંડનું આખું માળખું પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું.. વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે ટોલ બૂથની છત અને આસપાસના હોર્ડિંગ્સ હવામાં ફંગોળાઈ ગયા હતા. આ અણધારી કુદરતી આપત્તિના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે, આ ઘટના સમયે ટોલ પ્લાઝા પર મોટા વાહનોની લાંબી કતાર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી છે..
આ ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં પવનની પ્રચંડ ગતિ અને તેનાથી થયેલું નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાને પગલે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક અસરથી કાટમાળ હટાવવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતને કારણે તૂટી પડેલા લોખંડના એંગલો અને પતરાં રસ્તા પર આવી જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે જેસીબી મશીનોની મદદથી માર્ગને સાફ કરવાની અને વાહનવ્યવહારને પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

