VIDEO: ANDARNI VAAT / થૂથુકુડીના અગરોમાં મીઠાનું ધૂમ ઉત્પાદન, ધોમધખતા તડકામાં પરસેવો પાડી દેશનું ગળું ગળ્યું કરતા શ્રમિકો!
તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાં હાલમાં મીઠાનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં દરિયાકાંઠાની ભૌગોલિક સ્થિતિ સાનુકૂળ હોવાને કારણે મોટા પાયે અગરિયાઓ દ્વારા મીઠું પકવવાની કામગીરી કરવામાં આવે છે. મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા સ્થાનિક શ્રમિક શેકરના જણાવ્યા અનુસાર, અહીં મીઠું પકવવાની પ્રક્રિયા દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ જાય છે, જે સતત ઓક્ટોબર મહિના સુધી ચાલતી હોય છે. આ લાંબા ગાળા દરમિયાન હજારો શ્રમિકો ધોધખતા તડકામાં અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દિવસ-રાત કાળી મજૂરી કરીને દેશના ખૂણે-ખૂણા સુધી મીઠું પહોંચાડવાનું કામ કરે છે..
જોકે, આ સખત પરિશ્રમ છતાં અગરિયાઓ અને મીઠાના કારખાનામાં કામ કરતા શ્રમિકોને પૂરતું આર્થિક વળતર કે સુવિધાઓ મળતી નથી. આથી જ, થૂથુકુડી જિલ્લાના શ્રમિકોએ પોતાની આજીવિકા સુધારવા અને સામાજિક સુરક્ષા મેળવવા માટે સરકાર પાસે વધારાની આર્થિક સહાય અને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાની ઉગ્ર માંગ કરી છે. શ્રમિકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન જ્યારે ઉત્પાદન બંધ હોય છે, ત્યારે તેમના પરિવારોને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, જેના માટે સરકારી પીઠબળ ખૂબ જ જરૂરી છે. તંત્ર દ્વારા જો યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે, તો આ પરંપરાગત ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે તેમ છે..

