VIDEO: ANDAR NI VAAT/ પશ્ચિમ બંગાળઃ ધોધમાર વરસાદે કોલકાતા ડૂબ્યું, સિલિગુડીમાં ભૂસ્ખલનથી માર્ગ બંધ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. રાજ્યની રાજધાની કોલકાતામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના મધ્ય અને ઉત્તર વિસ્તારો ઉપરાંત સોલ્ટ લેક તથા સેક્ટર પાંચ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા અને ઓફિસ જતાં કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઘૂસી જતાં દૈનિક જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને પમ્પિંગ સ્ટેશનો સક્રિય કર્યા, ડ્રેનેજ લાઇનની સફાઈ હાથ ધરી અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે
VO2
બીજી તરફ ઉત્તર બંગાળમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે. સિલિગુડી નજીક સેવક વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-10 પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. પહાડ પરથી મોટાપાયે કાટમાળ રસ્તા પર ધસી આવતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને માર્ગ વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અને માર્ગને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે વધુ ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવા અપીલ કરી છે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

