VIDEO: ANDAR NI VAAT/ વડોદરા: સરકારી શાળામાં નો એડમિશનના બોર્ડ લાગ્યા
વાલીઓમાં પ્રાઇવેટ શાળાનો મોહ વધી રહ્યો છે ત્યારે વડોદરામાં એક એવી સરકારી શાળા આવેલી છે જેમા એડમિશન મેળવવા માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી કવિ દુલા કાગ સ્માર્ટ પ્રાથમિક શાળામા એડમિશન લેવા માટે લાંબુ વેઇટિંગ લીસ્ટ છે પણ આ શાળાના ગેટ આગળ નો એડમિશનના બોર્ડ લાગી ગયા છે. સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં નો એડમિશનના બોર્ડ લાગે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કવિ દુલા કાગ શાળામાં એવું તો શું છે કે વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં મુકી રહ્યા છે. કવિ દુલા કાગ સરકારી શાળા કેન્દ્ર સરકારની પીએમ શ્રી એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના હેઠળ પસંદગી પામેલી શાળા છે. આ શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને હાઇટેક સુવિધાને કારણે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મુકવા માંગે છે. શાળાના તમામ વર્ગખંડો સંપૂર્ણ એર કંડિશન્ડથી સજ્જ છે. શાળામાં પરંપરાગત બ્લેકબોર્ડને બદલે અત્યાધુનિક ડિજિટલ સ્માર્ટ બોર્ડ છે. કોમ્યુટર લેબ છે. આ કારણે વિદ્યાર્થીઓને 3D એનિમેશન અને ઓડિયો-વિઝ્યુઅલ પદ્ધતિથી અત્યંત રસપ્રદ રીતે ભણી શકે છે. શાળામાં તાર્કિક, ટેકનિકલ અને વૈજ્ઞાનિક અભિગમથી શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો સમજદારીપૂર્વકનું શિક્ષણ મેળવી શકે. શાળામાં હાઇટેક કમ્પ્યુટર લેબ, કોડિંગ ક્લાસ, ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો માટે અદ્યતન સાયન્સ લેબ વગેરે સુવિધા છે. સાથે અધુનિક ઇન્ફાસ્ટ્રકચર પણ છે. આ કારણે શાળા પ્રાઇવેટ શાળાને ટક્કર આપે છે. શાળા વિશે અધિકારીઓ કહે છે કે શિક્ષણ અને સુવિધામાં પ્રાઇવેટ શાળાને ટક્કર આપે તેવી છે. આ કારણે વાલીઓ પ્રાઇવેટ શાળાને બદલે સરકારી શાળા પસંદ કરી રહ્યા છે. હાલના સમયમાં પ્રાઇવેટ શાળાની ફી સામાન્ય માણસને પોસાઇ તેવી નથી. અમે પ્રાઇવેટ શાળા જેવી જ સુવિધા કવિ દુલા કાગ શાળામાં મફતમાં આપી રહ્યા છે. માટે વાલીઓ અમારી શાળા તરફ વળ્યા છે. જો સરકાર વડોદરા જેવી શાળા ખોલે તો હકીકતે પ્રાઇવેટ શાળાના પાટીયા પડી જાય....
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

