VEDIO:ANDAR NI VAAT/અરુણાચલમાં વાદળ ફાટ્યું, પોટીન ગામ તણાયું
અરુણાચલ પ્રદેશના કેયી પાન્યોર જિલ્લામાં પોટીન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. પોટીન ગામમાં ઉત્તર-પૂર્વીય ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NEEPCO - નિપ્કો) કોલોની ઉપરના ભારે વાદળ ફાટતા પોટીન ગામ અને નિપ્કો કોલોની વિસ્તાર પાણી અને કાદવના પ્રવાહમાં ધોવાઇ ગયો હતો. પોટીનના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અચાનક તીવ્ર ઘડાકા સાથે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટતા લાખો લીટર પાણી, કાદવ, વિશાળ પથ્થરો અને ઝાડ નિપ્કો કોલોની અને પોસ્સા ગામમાં ધસી ગયા હતા. આકાશી આફત એટલી ભયાનક હતી કે સ્થાનિક લોકોને કાંઇ સમજે તે પહેલા જ પ્રચંડ અવાજ સાથે પાણી ઘસી આવ્યું હતું. લોકોને પોતાની ઘર વખરી કે બીજી કિમતી વસ્તુઓ બચાવવાનો મોકો મળે તે પહેલાં જ બઘું સેકંડોમાં બધું ધોલાઇ ગયું હતું. નિપ્કો કોલોનીમાં મુખ્યત્વે પાવર પ્રોજેક્ટમાં કાર્યરત એન્જિનિયરો, સરકારી ટેકનિકલ સ્ટાફ, લાઈનમેન, સુરક્ષા કર્મચારીઓ અને તેમના પરિવારો વસવાટ કરે છે. વાદળ ફાટવાથી આખી કોલોની હતી નહતી થઇ ગઇ હતી. પાકા મકાનો પત્તાના મહેલની માફક કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. વાદળ ફાટવાથી માત્ર રહેણાંક મકાનો જ નહીં મુખ્ય માર્ગો સાથે જોડતો પુલ પણ ધોવાઇ ગયો હતો. પુલ ધોવાતા ગામ અને કોલોનીનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હોય તેવો મોટા અવાજ આવ્યા હતો. અમે ઘરની બહાર નિકળીને જોયું તો વાદળ ફાટ્યું હતું, અમે કાંઇ વિચારીએ તે પહેલા જ પાણી અને કાદવનો પ્રવાહ ઘર સુધી પહોંચી ગયો હતો. અમે અમારી કિંમતી વસ્તુ, ધરવખરી કે વાહન જેવું કાઇ પણ બચાવી શક્યા નથી. અમે બધુ ગુમાવી દીધું છે. ઘટના બાદ સ્થાનિક પ્રસાશન અને એનડીઆરએફ દ્રારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે હજુ કેટલાક લોકો ગુમ છે. પોટીન ગામની આસપાસના વિસ્તારમાં કાદવ, તૂટેલી દિવાલ અને ઊંધી વળેલી ગાડીઓ અને તબાહીના બિહામણા દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. ગામમાં જવાનો રસ્તો તૂંટી ગયો હોવાથી રેસ્કયુ ટીમને તકલીફ પડી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે લોકોને શોધવામાં અને સ્થિતિ સંપર્ણ થાળે પાડવામાં થોડો સમય લાગી શકે છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

