VIDEO: ANDAR NI VAAT/ LPGમાં વધારા પર રાજકીય સંગ્રામ! મલ્લિકાર્જુન ખડગેના સરકાર પર આકરા પ્રહાર
ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારાને લઈને વિપક્ષે મોદી સરકારને ઘેરી છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આકરા સવાલો કર્યા છે. જુઓ આ અહેવાલ.
દેશમાં ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કરવામાં આવતા સામાન્ય જનતાના બજેટ પર ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. ઘરેલું સિલિન્ડરના ભાવવધારાને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે અને વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે, છેલ્લા 4 મહિનામાં જ સરકારે 89 રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સરકાર ઇંધણ વિવિધીકરણના મોટા દાવા કરતી હોય તો પછી એલપીજીની કેમ અછત છે? સાથે જ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ દ્વારા સિલિન્ડર રિફિલ ન કરાવવાની સમસ્યા પર પણ તેમણે સરકારને ઘેરી હતી. એટલું જ નહીં, ભાજપના નેતાઓને જૂના દિવસો યાદ અપાવતા તેમણે પૂછ્યું કે, અગાઉ જે નેતાઓ ગેસના ભાવ વધારા સામે રસ્તા પર સિલિન્ડર લઈને વિરોધ કરતા હતા, તેઓ આજે કેમ મૌન છે? સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ કટાક્ષ કરતા સરકાર પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું કે, સરકારી ઓઈલ કંપનીઓએ આ નાણાકીય વર્ષમાં 77 હજાર 280 કરોડથી વધુનો વિક્રમી નફો મેળવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 130 ટકા વધુ છે. જ્યારે કંપનીઓ આટલો મોટો નફો કરી રહી હોય, ત્યારે વારંવાર સામાન્ય જનતા પર ભાવવધારાનો બોજ કેમ નાખવામાં આવી રહ્યો છે, તેવો વેધક સવાલ તેમણે સરકારને કર્યો છે.

