VIDEO: ક્રૂડ ઓઈલ અને મોંઘવારીના માર સામે ભારતની તૈયારી: પીએમ મોદી કરશે સપ્લાય ચેનની સમીક્ષા, રાજ્યોને સતર્ક રહેવા આદેશ
VIDEO: પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવ અને સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન મોદી સત્યાવીસમી માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વપૂર્ણ બેઠક કરશે. બેઠકમાં રાજ્યોની તૈયારીઓ, ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેનની સમીક્ષા કરવામાં આવશે
સરકારી સૂત્રો અનુસાર, બેઠકનું મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા પર રહેશે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલ, ગેસ અને અન્ય બળતણના વૈશ્વિક પુરવઠા પર અસર પડી શકે છે. તેથી ઊર્જા સુરક્ષા, બળતણની ઉપલબ્ધતા, કિંમત અને દરિયાઈ વેપાર માર્ગો પરની અસરને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે. આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેનમાં વિક્ષેપોને રોકવા માટેના નિર્ણય પર પણ ભાર મૂકવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કેચૂંટણી જાહેર થઈ ચૂકી છે તેવા રાજ્યોના મુખ્યમંત્રી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાના કારણે બેઠકમાં હાજરી આપી શકશે નહિ. તેમના મુખ્ય સચિવો માટે કેબિનેટ સચિવાલય દ્વારા અલગ બેઠકનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વિપક્ષ અને સરકાર તરફથી આપવામાં આવેલા તમામ સૂચનોને વિગતવાર સાંભળવામાં આવ્યા છે. સરકારે ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો સ્પષ્ટ ઉકેલ આપ્યો છે. વિપક્ષે આ બેઠક બોલાવવા બદલ સરકારનો આભાર માન્યો અને મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવાની વાત કરી.પીએમ મોદીએ સંસદમાં પણ આ સંકટને લઈને વિગતવાર માર્ગદર્શન આપ્યું છે અને શાંતિ તેમજ કૂટનીતિ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવાની વાત કરી છે. આ બેઠકમાં રાજ્યોના સહયોગથી દેશને કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર કરવાનો પ્રયાસ રહેશે.

