VIDEO: ANDAR NI VAAT/ રાજકોટના પટોળાને મળ્યું જીઆઈ ટેગ
પટોળાની વાત આવે એટલે આપણી સામે સૌથી પહેલા પાટણના પટોળાનું નામ યાદ આવે. પટોળા એટલે પાટણ અને પાટણ એટલે પટોળા. આમ બન્ને એક બીજાના પર્યાય બની ગયા છે. પણ સૌરાષ્ટ્રમાં પણ પટોળા બને છે. હજારો લોકો તેમા રોજગારી મેળવે છે. આ વાત બહુ ઓછી જાણીતી છે. હવે સૌરાષ્ટ્રના પટોળા માટે ગૌરવની વાત છે કે તેને જીઆઇ ટેગ મળ્યું છે. સૌરાષ્ટ્રના પટોળાને રાજકોટના પટોળા નામથી જીઆઇ ટેગ મળ્યું છે. આમ ગુજરાતના બે શહેરના પટોળાને જીઆ ટેગ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગરના વઢવાણ, સાયલામાં પેઢીઓથી પટોળાનું વણાટકામ કરવામાં આવે છે. આ પટોળાની વિશેષતા એ છે કે તે ‘સિંગલ ઇકત’ શૈલીથી તૈયાર થાય છે. જે પાટણના વૈશ્વિક ઓળખ ધરાવતા પટોળાથી અલગ છે. પાટણના પટોળા ‘ડબલ ઇકત’ પદ્ધતિથી બને છે. જેમાં આડા તાર અને ઊભા વાણા બંને દોરા બન્ને બાજુથી રંગાય છે. આ કારણે પાટણના પટોડાની સાડી બંને બાજુ સરખી દેખાય છે અને બન્ને બાજુથી પહેરી શકાય છે. જ્યારે રાજકોટ પટોળામાં એક જ તરફના તાણા અથવા વાણામાં રેશમી દોરા પર કલરકામ થાય છે. આ કારણે એક જ બાજુ તેની ઓળખ રહે છે અને સાડીને એક જ બાજુ પહેરી શકાય છે. રાજકોટ પટોળા બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ, મહેનત અને સમય માંગી લે તેવી હોય છે. આ પટોળામાં સૌપ્રથમ શુદ્ધ કલર વગરના કાચા રેશમી દોરા સાફ કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાફ પેપર પર હાથી, પોપટ, નાળિયેર અને અન્ય ભૌમિતિક ડિઝાઇન આલેખવામાં આવે છે. તેને કુદરતી પાકા રંગોથી રંગવામાં આવે છે. રંગકામ પૂરું થયા પછી દોરાઓને સુકવીને એક-એક તારને ઝીણવટપૂર્વક હાથશાળ પર વણવામાં આવે છે. આ રીતે છેલ્લે પટોળું તૈયાર થાય છે. રાજકોટનું એક પટોળું તૈયાર થતા ૧૫ દિવસથી એક મહિનાનો સમય લાગે છે. સામે પાટણના પટોળા બનતા ૬ મહિનાથી એક વર્ષ લાગે છે. બન્નેમાં કામના તફાવતના કારણે કિંમતમાં પણ મોટો ફરક છે. પાટણના પટોળાની કિંમત લાખો રૂપિયા હોય છે, જ્યારે રાજકોટ પટોળાની કિંમત ૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની હોય છે. સૌરાષ્ટ્રના પટોળા 15થી 20 હજાર લોકોને રોજગારી આપી છે. જીઆઈ ટેગ મળવાથી રાજકોટ પટોળાને એક કાનૂની રક્ષણ અને વૈશ્વિક બ્રાન્ડ મળી છે. ટેગથી મશીન પર બનતા સસ્તા અને નકલી રાજકોટ પટોળા પર પાબંદી આવશે. ગ્રાહકોને અસલ હાથવણાટની પરંપરાગત પટોળાનો ભરોસો વધશે. આ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસની નવી તકો ખુલશે.
બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

