VIDEO: ANDAR NI VAAT/ ઉત્તર પ્રદેશમાં 2027ની રણશિંગુ: ભાજપ અને સપા વચ્ચે કાંટાની ટક્કરની તૈયારી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027માં હજુ સમય છે, પરંતુ સત્તાના ગઢને બચાવવા ભાજપ અને તેને તોડવા માટે સમાજવાદી પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયા છે. લોકસભા ચૂંટણીમાં સપાના શાનદાર પ્રદર્શન બાદ ભાજપ માટે સ્થિતિ પડકારજનક બની છે. કારણ કે જો તે જ વોટિંગ પેટર્ન પુનરાવર્તિત થાય તો ભાજપે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન લખનૌમાં ડેરા જમાવીને ગૃહમંત્રી અમિત શાહ સાથે મળીને દરેક બેઠકનું જાતિગત ગણિત અને વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. ભાજપ ખાસ કરીને અખિલેશ યાદવના PDA એટલે પછાત, દલિત, અલ્પસંખ્યક થીયરને નિષ્ફળ બનાવવા માટે ઓબીસી ધારાસભ્યોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સાથે જ, જે 61 બેઠકો પર ભાજપ છેલ્લા 15 વર્ષથી જીતી શક્યું નથી, ત્યાં ખાસ રણનીતિ ઘડવામાં આવી રહી છે.
બીજી તરફ અખિલેશ યાદવ ભાજપની મજબૂત મહિલા વોટબેંકમાં ગાબડું પાડવા માટે સક્રિય બન્યા છે. ભાજપની મહિલા કેન્દ્રિત યોજનાઓનો તોડ કાઢવા માટે અખિલેશે પોતાના જન્મદિવસ પર યુવતીઓને સાયકલ વહેંચીને રાજકીય સંદેશ આપ્યો છે. તેઓ જાણે છે કે આગામી ચૂંટણીમાં મહિલા મતદારો નિર્ણાયક સાબિત થશે, તેથી તેમણે મહિલાઓ માટે વિશેષ યોજનાઓ અને લોકઆકર્ષક વચનોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ, ઉત્તર પ્રદેશનું રાજકારણ હવે જાતિગત સમીકરણો અને મહિલા વોટબેંકને રિઝવવાના જંગમાં ફેરવાઈ ગયું છે, જ્યાં ભાજપ પોતાની સત્તા ટકાવવા અને સપા પોતાની જીતની ગતિ જાળવી રાખવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી.

