VIDEO : ANDARNI VAAT/ ચારધામ યાત્રામાં ભક્તોનો રેકોર્ડબ્રેક ધસારો: કેદારનાથ-બદ્રીનાથમાં ઉમટ્યું ભક્તિનું ઘોડાપૂર
ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. યાત્રા શરૂ થયાના માત્ર 44 દિવસમાં જ ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 29 લાખને વટાવી ગઈ છે.જે ગત વર્ષની સરખામણીમાં મોટો ઉછાળો દર્શાવે છે. ખાસ કરીને રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 લાખ 50 હજાર થી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.જ્યારે બદ્રીનાથ ધામમાં 8 લાખ 32 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ભક્તોના આ ભારે ધસારાને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા જોશીમઠમાં વન વે ટ્રાફિક સિસ્ટમ અને વિવિધ સ્થળોએ કતાર વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને સુરક્ષિત મુસાફરી અને સુગમ દર્શન સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે.
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. સમિતિના સીઈઓ સોહન સિંહે શ્રદ્ધાળુઓને મુસાફરી શરૂ કરતા પહેલા ફરજિયાત નોંધણી કરાવવા, પૂરતા ગરમ કપડાં સાથે રાખવા અને રહેવાની વ્યવસ્થા અગાઉથી કરી લેવાની અપીલ કરી છે. પહાડી વિસ્તારોમાં બદલાતા હવામાન અને વરસાદને કારણે યાત્રામાં અડચણ ન આવે તે માટે શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત, બદ્રીનાથ મંદિરમાં સિંહદ્વારથી આગળ કેમેરા અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ભીડનું વ્યવસ્થાપન વધુ સારી રીતે થઈ શકે. રેકોર્ડબ્રેક નોંધણીને જોતા આગામી દિવસોમાં પણ ભીડ યથાવત રહેવાની શક્યતા છે.

