મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ વારાણસી દાલમંડીમાં ભારે સુરક્ષા વચ્ચે પાંચ મસ્જિદો પર ડિમોલિશન કાર્યવાહી શરૂ

વારાણસીના દાલમંડી વિસ્તારમાં રોડ પહોળો કરવાની મહત્ત્વાક

વારાણસીના દાલમંડી વિસ્તારમાં રોડ પહોળો કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના હવે સૌથી સંવેદનશીલ તબક્કામાં પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામ સુધીનો માર્ગ વધુ પહોળો અને સુગમ બનાવવા માટે બુધવારે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રોજેક્ટની ઝપેટમાં આવતી પાંચ મસ્જિદો સહિત અન્ય માળખાઓ પર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, 13 સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. પ્રશાસનના જણાવ્યા મુજબ દાલમંડી રોડ વિસ્તરણ પ્રોજેક્ટ હેઠળ કુલ 187 માળખાઓને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉથી નોટિસ, વળતર અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓનું કહેવું છે. આ સમગ્ર અભિયાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

બીજી તરફ મસ્જિદોના સંચાલન સાથે સંકળાયેલા પક્ષો અને પ્રશાસન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી હતી. ઉપલબ્ધ માહિતી મુજબ જે મસ્જિદોની નોંધણી અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, તેમાં પરસ્પર ચર્ચા બાદ મસ્જિદના કેટલાક ભાગને દૂર કરવાની સહમતી બનતા કેટલાક સ્થળોએ મસ્જિદ સંચાલન સાથે જોડાયેલા લોકો દ્વારા પણ માળખાનો નિર્ધારિત ભાગ હટાવવાની પ્રક્રિયામાં સહયોગ આપવામાં આવ્યો હતો. જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. જોકે સમગ્ર કાર્યવાહી દરમિયાન ધાર્મિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન સતત સતર્ક રહ્યું હતું. દાલમંડી રોડને લગભગ 17 મીટરથી વધુ પહોળો બનાવી કાશી વિશ્વનાથ ધામ સુધીની અવરજવર સરળ બનાવવાનો સરકારનો ઉદ્દેશ છે. પ્રશાસનનું કહેવું છે કે વિકાસ યોજના હેઠળ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને જ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાકીના અસરગ્રસ્ત માળખાઓ અંગે પણ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો