Viral Video/ યુવતીને શ્વાન બનવાનો અનોખો શોખ, કોઈ 'બિલાડી' સમજી લે તો થઈ જાય ગુસ્સે!
આજકાલ દુનિયામાં અજીબોગરીબ શોખ રાખતા લોકોની કમી નથી, પરંતુ આ કિસ્સો એકદમ અલગ છે. એક ૨૦ વર્ષની યુવતી પોતાને 'માણસ' નહીં પણ 'શ્વાન' ગણાવે છે. ઓનલાઇન દુનિયામાં 'મિલ્ક લવ' (Milk Love) નામે જાણીતી આ યુવતીએ કોલેજકાળ દરમિયાન આ વિચિત્ર જીવનશૈલી અપનાવી હતી અને હવે તે પૂરેપૂરી રીતે ડૉગી બની ગઈ છે.
શ્વાનની જેમ રમે છે અને કરતબ બતાવે છે!
આ યુવતી જ્યારે પણ તેના મિત્રોને મળે છે, ત્યારે તે માણસની જેમ વાત કરવાને બદલે શ્વાન જેવું વર્તન કરે છે. તે તેના મિત્રો સાથે 'પપ્પી ગેમ' રમે છે, જેમાં તે રનિંગ કરે છે, ફેંકેલી બોલ પાછળ દોડે છે અને જો તે સારું કામ કરે તો તેને ઇનામ (Treats) પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, તેણે અસલી શ્વાન જેવો લૂક મેળવવા માટે નકલી દાંત અને પૂંછડી પણ લગાવી છે.
લોકો બિલ્લી સમજે તો આવે છે ગુસ્સો!
એક અહેવાલ મુજબ, આ યુવતીએ જણાવ્યું કે જ્યારે તે જાહેર સ્થળો પર જાય છે ત્યારે લોકો તેને વિચિત્ર નજરે જુએ છે, પણ તેને કોઈ ફરક પડતો નથી. જોકે, તેને સૌથી વધુ ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કોઈ તેને 'બિલાડી' સમજી લે છે. તેણે કહ્યું, "કેટલાક લોકો મારી સામે જોઈને 'મ્યાઉં' કરે છે, જે ખૂબ જ હેરાન કરનારું છે. કોઈ પણ જોઈને કહી શકે છે કે હું એક શ્વાન છું!"
આઇસક્રીમ ખાતી હતી ને કોઈ ભસવા લાગ્યું!
પોતાના અનુભવો શેર કરતા તેણે જણાવ્યું કે એકવાર જ્યારે તે આરામથી આઇસક્રીમ ખાઈ રહી હતી, ત્યારે એક વ્યક્તિ કારમાંથી તેની સામે જોઈને શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો. યુવતીનું કહેવું છે કે, "હું કોઈને નુકસાન પહોંચાડી રહી નથી, તો પછી લોકોને મારી આ લાઈફસ્ટાઈલ સામે શું વાંધો હોઈ શકે?"
આ યુવતીના વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યા છે. લોકો આ જોઈને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે – કોઈ તેને ગાંડપણ ગણાવે છે તો કોઈ તેને વ્યક્તિગત આઝાદી!

