VIDEO: યુકેના રોડ પર પહોંચી મહિન્દ્રાની રિક્ષા, આનંદ મહિન્દ્રાએ ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું....
આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં યુકે (UK) ના રોડ પર એક ભારતીય ઓટો રિક્ષાનો વીડિયો શેર કર્યો, જે બાદ ઇન્ટરનેટ પર લોકોએ તેને ‘રિવર્સ કોલોનાઇઝેશન’ (ઊલટો સંસ્થાનવાદ) કહીને ખૂબ મજા લીધી. ભારતમાં રોજબરોજ જોવા મળતું આ ત્રણ પૈડાંનું વાહન જ્યારે વિદેશમાં દેખાયું, ત્યારે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ટ્વીટ પણ ખૂબ જ રમુજી અંદાજમાં કરવામાં આવ્યું છે. આ વીડિયો જોયા પછી જાણે મીમ્સની પૂર આવી ગઈ છે અને લોકો અલગ-અલગ રીતે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
એશિયાઈ દેશોમાં ઓટો રિક્ષા એક ખૂબ જ પોપ્યુલર અને રેગ્યુલર પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પરંતુ પશ્ચિમી દેશોની વાત કરીએ તો અહીં સામાન્ય રીતે સાર્વજનિક વાહનોમાં તમને ઓટો રિક્ષા જોવા મળતી નથી. જોકે ખાસ પ્રસંગોએ અહીં ક્યારેક-ક્યારેક રોડ પર ઓટો રિક્ષા દેખાઈ જાય છે. આવા સમયે આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. હાલમાં જોઈ લઈએ કે આનંદ મહિન્દ્રાના યુકેમાં ઓટોના આ વીડિયોએ ઇન્ટરનેટ પર કેવી સન્સની મચાવી છે.
ગુજરાતીમાં કર્યું ટ્વીટ
આનંદ મહિન્દ્રાએ X (અગાઉ ટ્વિટર) પર આ વીડિયો પોસ્ટ કરતા ગુજરાતીમાં લખ્યું, “યુકે માં રિક્ષા આવી ગઈ છે… મહિન્દ્રા ની છે, આપણી.” તેમણે જણાવ્યું કે તેને કોઈ શોખીને ઇમ્પોર્ટ (આયાત) કરી છે.
યુકેમાં ભારતીય ઓટોનો ધૂમધડાકો
આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. ભારતીય રોડ સાથે જોડાયેલું આ વાહન જ્યારે બ્રિટિશ રોડ પર દેખાયું, ત્યારે લોકોને ખૂબ હસવું આવ્યું અને તેઓ હેરાન પણ થયા. એક યુઝરે તો યુકેમાં જોયેલી આવી જ એક રિક્ષાની પોતાની તસવીર પણ શેર કરી.
યુઝરે લખ્યું, “મેં પણ થોડા દિવસ પહેલા તેને જોઈ હતી..” ઘણા લોકોએ મજાકમાં કહ્યું કે હવે લંડનનો વરસાદ અને ટ્રાફિક પણ ભારતીય ઓટો ચાલકના અનુભવ સાથે આવશે. કોઈકે તેને 200 વર્ષ પછીનું ‘રિવર્સ કોલોનાઇઝેશન’ ગણાવ્યું.
ઓટો પર મનોરંજક કોમેન્ટ્સ
લોકોએ ભારતીય ઓટો પર અવારનવાર લખાતા રમુજી વાક્યોની પણ વાત કરી. એક યુઝરે મજાકમાં કહ્યું કે આ રિક્ષા પર “પપ્પુ દી ગડ્ડી”, “બુરી નઝર વાલે, તેરા મુહ કાલા”, “હોર્ન પ્લીઝ” અને “જગ્યા મળ્યે સાઇડ અપાશે” જેવા ક્લાસિક સ્લોગન ગાયબ હતા.
કેટલાક લોકોએ યુકેમાં ઓટોની સવારીના અનુભવ પર પણ ચબરાકિયા માર્યા. એક વ્યક્તિએ કલ્પના કરી કે હવે પછીનું પગલું રિક્ષા ચાલક અને મુસાફરો વચ્ચે ભાડાને લઈને થતી જાણીતી કચકચ હશે.
મહિન્દ્રા પર પણ લીધી ચુટકી
આ પ્રતિક્રિયા માત્ર ભારત પૂરતી જ સીમિત નહોતી. એક કમેન્ટેટરે “બ્રિટિશ રોડ પર એક રિક્ષા” ને “ચા પછીનો સૌથી વધુ આત્મવિશ્વાસ ધરાવતો ઇમ્પોર્ટ” ગણાવ્યો. કોઈકે પૂછ્યું કે શું શાંઘાઈ, બીજિંગ કે ટોક્યોમાં પણ આવું કંઈક જોવા મળશે?

