VIDEO: ઓનલાઈન મંગાવેલા ઈંડામાં જીવતો કીડો મળ્યો, ફરિયાદ બાદ ક્વિક-કોમર્સ સ્ટોરનું સ્ટોરેજ રૂમ સીલ
કર્ણાટકના મેંગલુરુ (Mangaluru)માં ઓનલાઈન મંગાવવામાં આવેલા ઈંડામાં જીવતો કીડો મળી આવવાની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે. ગ્રાહકે આ મામલે આરોગ્ય મંત્રી યુટી ખાદર (UT Khader)ને ફરિયાદ કર્યા બાદ ફૂડ સેફ્ટી વિભાગ (Food Safety Department) હરકતમાં આવ્યું હતું. અધિકારીઓએ શહેરના ફાલ્નીર વિસ્તારમાં આવેલા ઓનલાઈન રિટેલ ફેસિલિટી સેન્ટર (Retail Facility Centre)નું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ (Quick-Commerce Platform) મારફતે ઈંડા મંગાવ્યા હતા. ગ્રાહકનો આરોપ હતો કે મંગાવવામાં આવેલા કેટલાક ઈંડા ખરાબ હતા અને તેમાંથી એક ઈંડાની અંદર જીવતો કીડો મળી આવ્યો હતો. ફરિયાદને ગંભીરતાથી લઈને ફૂડ સેફ્ટી અધિકારીઓએ સંબંધિત સ્ટોરેજ સેન્ટરની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન તૂટેલા ઈંડાના પેકેટ મળ્યા
અધિકારીઓ જ્યારે ફાલ્નીર સ્ક્વેરથી સંચાલિત રિટેલ ફેસિલિટી સેન્ટર પર પહોંચ્યા ત્યારે તપાસ દરમિયાન ત્યાં તૂટેલા ઈંડાના કેટલાક પેકેટ મળી આવ્યા હતા. અધિકારીઓએ કેન્દ્રના કર્મચારીઓને આવા અસરગ્રસ્ત પેકેટોને તાત્કાલિક દૂર કરવા અને તેનો યોગ્ય રીતે નાશ કરવા (Dispose) સૂચના આપી હતી.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ સ્ટોરેજ એરિયા (Storage Area)નું પણ નિરીક્ષણ કર્યું હતું. સાવચેતીના પગલા તરીકે સ્ટોરેજ રૂમને સંપૂર્ણ રીતે સાફ અને સેનિટાઈઝ (Sanitize) કરવા માટે તેને અસ્થાયી રીતે બંધ કરીને સીલ કરી દેવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી વિભાગ હવે નોટિસ આપશે
આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત પ્રતિષ્ઠાનને નોટિસ (Notice) પાઠવવામાં આવશે. અધિકારીઓ સંચાલન પાસેથી સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટતા માંગશે. તપાસ દરમિયાન સામે આવેલી હકીકતો અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા જવાબના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ ઘટના ઓનલાઈન ગ્રોસરી અને ક્વિક-કોમર્સ સેવાઓમાં ફૂડ સેફ્ટી (Food Safety) અને સ્ટોરેજની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા કરે છે. ગ્રાહકોને ઝડપથી ડિલિવરી પહોંચાડવાની સાથે ખાદ્ય સામગ્રીની યોગ્ય રીતે તપાસ, સંગ્રહ અને પેકિંગ થાય તે પણ એટલું જ મહત્વનું છે. હવે ફૂડ સેફ્ટી વિભાગની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

