મંદીરની દાનપેટીમાંથી મળી 20 રૂ.ની નોટ ચર્ચામા, ભક્તે લખ્યું- 'મારી માસી મરી જાય'

આંધ્રપ્રદેશના અનંતપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મંદિરની દાનપેટીમાંથી મળેલી ૨૦ રૂપિયાની નોટ ભારે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, આ ૨૦ રૂપિયાની નોટ પર ચઢાવો ચઢાવનાર વ્યક્તિએ એવી પ્રાર્થના લખી છે કે 'મારી માસી મરી જાય'.
શું છે સમગ્ર મામલો?
આ મામલો અનંતપુર જિલ્લાના આત્માકુર મંડળના પંપાનૂર ગામનો છે. અહીં એક ભક્તે ભગવાનને ચઢાવેલી નોટ પર પોતાની માસીના મૃત્યુની પ્રાર્થના લખી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે અધિકારીઓ પ્રખ્યાત સુબ્રહ્મણ્યેશ્વર સ્વામી મંદિરની દાનપેટીમાંથી મળેલી ભેટ-સોગાદો અને રોકડની ગણતરી કરી રહ્યા હતા, ત્યારે તેમને દાનમાં ૨૦ રૂપિયાની એક એવી નોટ મળી જેના પર હાથથી એક સંદેશ લખેલો હતો. આ સંદેશમાં લખ્યું હતું કે- "સ્વામી, હું મારી માસીની પ્રતાડના (માનસિક ત્રાસ) અને હેરાન કરવાની આદતો હવે વધુ સહન કરી શકું તેમ નથી. કૃપા કરીને એવું કરો કે તે જલ્દી જ મરી જાય."
નોટ દાનમાં આપનાર વ્યક્તિની આ ઈચ્છા જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે, કારણ કે મંદિરમાં પહેલા પણ લોકોએ નોટ પર પોતાની ઈચ્છા લખીને દાનપેટીમાં નાખી છે, પરંતુ સામાન્ય રીતે લોકો નોટો પર કે સાદા કાગળના ટુકડા પર સારું સ્વાસ્થ્ય, નોકરી, લગ્ન, બાળકો અથવા સફળતા માટેની મન્નતો લખતા હોય છે. પરંતુ ભગવાન પાસે કોઈનો જીવ લેવાની આવી અજીબ માંગ વિશે આ મંદિરમાં પહેલીવાર લખવામાં આવ્યું છે.
જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓએ એ નોટ ફરીથી વાંચી, ત્યારે કેટલાક લોકો આ અજીબોગરીબ વિનંતી પર હસી પડ્યા, તો કેટલાકને આની પાછળ રહેલી સંબંધોની કડવાશ જોઈને દુઃખ થયું. જોતજોતામાં આ નોટ ચર્ચાનો વિષય બની ગઈ અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.
લોકો હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ મેસેજ કોણે લખ્યો હતો. શું તે વ્યક્તિ ખરેખર પારિવારિક સમસ્યાઓથી પરેશાન હતો? કે પછી આ ફક્ત ઓનલાઈન લોકોનું ધ્યાન ખેંચવા માટે લખવામાં આવ્યું હતું? હવે આ કોઈ લાચાર હૃદયની પ્રાર્થના હતી, ગુસ્સો હતો કે કોઈ સ્ટંટ, દરેક જણ આ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યારે નોટ લખનાર કે આપનાર વ્યક્તિ હજી પણ એક રહસ્ય બનેલો છે.

