યશસ્વી જયસ્વાલે રોહિત અને વિરાટ અંગે આપ્યું મોટું નિવેદન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી

ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી હતી. શુભમન ગિલની ગેરહાજરીમાં, જયસ્વાલે રોહિત શર્મા સાથે ઈનિંગની ઓપન કરી હતી. તેણે પહેલી બે મેચમાં સારું પ્રદર્શન નહતું કર્યું, પરંતુ ત્રીજી ODIમાં તેણે શાનદાર સદી ફટકારી હતી, જે તેની પહેલી ODI સદી હતી.
આ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં, જયસ્વાલે ટીમ ઈન્ડિયાના બે સુપરસ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
"ભારતની કેપ્ટનશિપ કરવા માંગુ છું" - યશસ્વી
બુધવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન યશસ્વીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપથી લઈને રોહિત શર્મા અને વિરાટ કોહલીના અનુભવ અને તેમના પ્રભાવ વિશે ખુલીને વાત કરી હતી. યશસ્વીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી શકે છે? ત્યારે તેણે જવાબમાં આપતા કહ્યું, "જો તક મળે તો હું ચોક્કસપણે ભારતની કેપ્ટનશિપ કરવા માંગુ છું." તેણે એમ પણ કહ્યું કે રોહિત અને વિરાટ વગર રમવાનું હંમેશા થોડું અલગ લાગે છે. ટીમ તેમને યાદ કરે છે.
રોહિત શર્માના ઠપકામાં પણ પ્રેમ
યશસ્વીએ રોહિત શર્મા વિશે વધુ વાત કરતા જણાવ્યું કે રોહિતના ઠપકામાં પણ ઘણો પ્રેમ છુપાયેલો હોય છે. તેણે કહ્યું, "જ્યારે રોહિતભાઈ અમને ઠપકો આપે છે, ત્યારે એવું લાગે છે કે તે અમારી ખૂબ કાળજી રાખે છે. સાચું કહું તો, જો રોહિતભાઈ ઠપકો ન આપે, તો મને આશ્ચર્ય થાય છે કે શું તે મારી કોઈ વાતથી નારાજ છે."
વિરાટ અને રોહિત સાથે ભાગીદારી
યશસ્વીએ વિશાખાપટ્ટનમમાં પોતાની પહેલી ODI સદી દરમિયાન રોહિત અને વિરાટ સાથે શાનદાર પાર્ટનરશિપ કરી હતી. તેણે કહ્યું, "જ્યારે આ બંને ડ્રેસિંગ રૂમમાં હોય છે, ત્યારે વાતાવરણ ખૂબ જ હળવું હોય છે. રમતની ચર્ચા થાય છે, અનુભવો શેર કરવામાં આવે છે અને તેઓ અમને કહે છે કે તેઓએ તેમના યુવાનીના દિવસોમાં કઈ ભૂલો કરી હતી અને અમે તેમને કેવી રીતે ટાળી શકીએ છીએ."
તેણે વધુમાં કહ્યું, ત્રીજી ODIમાં રોહિતે તેને ધીરજ રાખવા અને સમય લેવા કહ્યું, જ્યારે તે પોતે જોખમ લેશે. દરમિયાન, વિરાટે તેને નાના લક્ષ્યો આપ્યા અને મેચ જીતવાની જવાબદારી શેર કરી. યશસ્વીએ કહ્યું કે તેની પહેલી ODI સદી તેના માટે ઓવલ ટેસ્ટ સદી જેટલી જ ખાસ છે.
T20 વર્લ્ડ કપનું સ્વપ્ન
T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા વિશે પૂછવામાં આવતા, યશસ્વીએ કહ્યું, "મારું સ્વપ્ન T20 વર્લ્ડ કપમાં રમવાનું છે, પરંતુ હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અને યોગ્ય સમયની રાહ જોઈશ." યશસ્વીએ ભારત માટે અત્યાર સુધીમાં 23 T20I મેચ રમી છે, જેમાં 36.15 ની સરેરાશ અને 164.31ના સ્ટ્રાઇક રેટથી 723 રન બનાવ્યા છે. T20Iમાં તેણે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.

