VIDEO: વિલ જેક્સે બાઉન્ડ્રી લાઇન પર ઝડપ્યો અવિશ્વસનીય કેચ, વાયરલ થઈ રહી છે તેની ક્લિપ
6 ઓગસ્ટ, ગુરુવારના રોજ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ધ હન્ડ્રેડ 2026માં MI લંડને લંડન સ્પિરિટને 4 વિકેટથી હરાવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ રોમાંચક મેચમાં વિલ જેક્સનો સુપરમેન અવતાર જોવા મળ્યો. જેક્સે બાઉન્ડ્રી લાઈન પર એક અદભુત કેચ ઝડપ્યો, જેણે બધાને સ્તબ્ધ કરી દીધા. આ અવિશ્વસનીય કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેને ટુર્નામેન્ટના ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ માનવામાં આવી રહ્યો છે.
વિલ જેક્સે બાઉન્ડ્રી લાઈન પર એક કરિશ્માઈ કેચ ઝડપ્યો
આ મેચની સૌથી રોમાંચક અને અવિશ્વસનીય ક્ષણ લંડન સ્પિરિટની ઈનિંગ દરમિયાન બની, જ્યારે ટીમના ઓપનર, લુહાન-ડ્રે પ્રિટોરિયસ, અડધી સદી ફટકાર્યા પછી આક્રમક રીતે બેટિંગ કરી રહ્યો હતો. ઈનિંગના 49મા બોલ પર વિલ જેક્સે બાઉન્ડ્રી લાઈન પર એક અદ્ભુત કેચ ઝડપ્યો, જેનાથી પ્રિટોરિયસની ઈનિંગનો અંત આવ્યો. પ્રિટોરિયસે લોંગ-ઓફ તરફ એક શક્તિશાળી શોટ રમ્યો. બાઉન્ડ્રી પર ઊભેલા જેક્સે બોલ પકડ્યો પરંતુ સંતુલન ગુમાવતા તેણે બોલ હવામાં ઉછાળ્યો.
ત્યારબાદ તેણે ફુલ-લેન્થ ડાઈવ મારી અને એક હાથે શાનદાર કેચ ઝડપ્યો, જેનાથી પ્રિટોરિયસ આઉટ થયો. જેક્સના કરિશ્માઈ કેચથી બધા દંગ રહી ગયા. પ્રિટોરિયસે 28 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.
સિકંદર રઝાએ મેચ વિનિંગ ઈનિંગ રમી
મેચની વાત કરીએ તો, MI લંડને ટોસ જીતીને લંડન સ્પિરિટને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પહેલા બેટિંગ કરતા લંડન સ્પિરિટે 100 બોલમાં 5 વિકેટે 160 રન બનાવ્યા. જવાબમાં, 161 રનના લક્ષ્યનો પીછો કરતા MI લંડનની શરૂઆત સારી નહતી. વિલ જેક્સ 9 બોલમાં 18 રન બનાવીને પવેલિયન પરત ફર્યો અને જેમ્સ વિન્સે 13 બોલમાં 15 રન બનાવ્યા.
ત્યારબાદ નિકોલસ પૂરન અને સેમ કરને 32 બોલમાં 43 રનની પાર્ટનરશિપ કરીને ઈનિંગને સ્થિર કરી. કરન 23 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો, પરંતુ આગામી બેટિંગ કરવા આવેલા સિકંદર રઝાએ મેચનું પરિણામ પલટી નાખ્યું. રઝાએ માત્ર 16 બોલમાં અણનમ 32 રન બનાવ્યા, જેમાં ચાર શાનદાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેની વિસ્ફોટક બેટિંગના કારણે MI લંડને 94 બોલમાં લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટથી જીત મેળવી.
MI લંડન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
આ સિઝનમાં છ મેચમાં MI લંડનનો આ ચોથો વિજય હતો. આ જીત સાથે, ટીમના હવે 16 પોઈન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. દરમિયાન, ટ્રેન્ટ રોકેટ્સ છ મેચમાં પાંચ જીત અને 20 પોઈન્ટ સાથે ટોપ પર છે.

