IPL 2027માં ધોની રમશે કે મેન્ટોર બનશે? CSKમાં માહીના ભવિષ્ય પર સસ્પેન્સ યથાવત

મહેન્દ્ર સિંહ ધોની IPL 2027માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ખેલાડી તરીકે રમશે કે કેમ તે અંગે ચિત્ર હજુ સ્પષ્ટ નથી થયું. CSKના CEO કાશી વિશ્વનાથને ધોનીના ભવિષ્યને લઈને દરવાજા ખુલ્લા રાખ્યા છે અને જણાવ્યું છે કે ધોનીએ રમવાની ના નથી પાડી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષીય ધોનીનું આગામી સીઝનમાં ખેલાડી તરીકે મેદાન પર ઉતરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. જો ધોની ખેલાડી તરીકે નહીં રમે તો તે ફ્રેન્ચાઈઝી સાથે મેન્ટોર (સલાહકાર) ની નવી ભૂમિકામાં જોડાઈ શકે છે.
ફિટનેસ અને મેચ પ્રેક્ટિસનો મોટો પડકાર
ધોનીના ભવિષ્યને લઈને સૌથી મોટી ચિંતા તેની ફિટનેસ અને ખાસ કરીને ઘૂંટણની સમસ્યા છે. વધતી ઉંમર સાથે આખી સિઝન માટે આકરી તૈયારી કરવી આસાન નથી. IPL 2026માં પણ ધોની એક પણ મેચ નહતો રમી શક્યો, પરંતુ સમગ્ર સિઝન દરમિયાન તે ડગઆઉટમાંથી ખેલાડીઓનું માર્ગદર્શન કરતો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેણે IPL પહેલાં પૂરતી મેચ પ્રેક્ટિસ નથી મળતી, જે તેના માટે મુખ્ય પડકાર છે.
સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ નવા હેડ કોચની શોધ
CSK માટે માત્ર ધોની જ નહીં પરંતુ નવા હેડ કોચની પસંદગી પણ મોટો પ્રશ્ન છે. સ્ટીફન ફ્લેમિંગ અને CSKએ જુલાઈ 2026માં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો, જેની સાથે જ તેનો 18 વર્ષ જૂનો સંબંધ પૂરો થયો હતો. ફ્લેમિંગ 2009થી કોચ હતો અને તેની આગેવાનીમાં ટીમે 5 ટ્રોફી જીતી હતી. હવે ઈંગ્લેન્ડની રેડ-બોલ ટીમના કોચ બનેલા ફ્લેમિંગના સ્થાને ભારતના પૂર્વ ક્રિકેટર હેમંગ બદનાનીનું નામ નવા હેડ કોચ તરીકે રેસમાં આગળ ચાલી રહ્યું છે.
CSKમાં 25% હિસ્સેદારીના દાવા તદ્દન પાયાવિહોણા
છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો વહેતા થયા હતા કે ધોનીએ CSKમાં 25% હિસ્સેદારી માંગી હતી. જોકે CEO કાશી વિશ્વનાથને આ તમામ અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ધોની અને ફ્રેન્ચાઈઝી વચ્ચે હિસ્સેદારીને લઈને કોઈ વિવાદ નથી. હવે તમામ ફેન્સની નજર ધોનીના આખરી નિર્ણય પર ટકેલી છે કે તે મેદાન પર રમતો દેખાશે કે ડગઆઉટમાંથી નવી ભૂમિકા ભજવશે.

