IPLની આગામી સિઝનમાં દૂર થઈ શકે છે આ વિવાદિત નિયમ, રોહિત-કોહલીએ પણ દર્શાવી હતી અસહમતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ઈમ્પેક્ટ પ્લેયર રુલને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમો પાસે આ નિયમને લઈને સત્તાવાર ફીડબેક માગ્યું છે. ટીમોએ પોતાનો અભિપ્રાય 31 ઓગસ્ટ સુધીમાં બોર્ડને મોકલવો પડશે. ત્યારબાદ મળેલા સૂચનોના આધારે આગામી સિઝન માટે આ વ્યવસ્થામાં ફેરફારને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે.
મે મહિનામાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, IPL 2026 પૂર્ણ થયા બાદ ઈમ્પેક્ટ પ્લેયર નિયમની સમીક્ષા કરવામાં આવશે. હવે બોર્ડે તે જ દિશામાં પગલું ભરતા ટીમો પાસેથી લેખિત અભિપ્રાય લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એક અહેવાલ પ્રમાણે BCCIએ ફ્રેન્ચાઈઝી પાસેથી PMOA (પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા), અમ્પાયરિંગ, પ્રેક્ટિસ સેશન અને પ્લેઈંગ કંડિશન્સ સહિત અનેક ક્રિકેટ ઓપરેશનલ બાબતો પર સૂચનો માગ્યા છે. બોર્ડે ટીમોને પોતાની ક્રિકેટ ઓપરેશન્સ યુનિટ સાથે ચર્ચા કરીને તમામ મુદ્દાઓ પર સંયુક્ત પ્રતિક્રિયા મોકલવા કહ્યું છે. આ સૂચનોના આધારે આગામી સિઝન પહેલા જરૂરી સમીક્ષા અને કાર્યવાહી કરવામાં આવશે.
…તો હટી જશે ઈમ્પેક્ટ પ્લેયર રુલ
છેલ્લી કેટલાક સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ IPLની સૌથી ચર્ચિત બાબતોમાં સામેલ રહ્યો છે. ખાસ કરીને IPL 2026માં મોટા સ્કોરની વધેલી સંખ્યાએ તેના પ્રભાવ પર સવાલો ઊભા કર્યા. ટીકાકારોનું માનવું છે કે, વધારાનો ખેલાડી ઉપલબ્ધ હોવાથી બેટિંગમાં ઊંડાણ વધે છે અને તેનો ફાયદો રન બનાવનારી ટીમોને મળે છે. તેનાથી વિપરીત સમર્થકોની દલીલ છે કે આ નિયમે કેપ્ટનોને પરિસ્થિતિઓ પ્રમાણે વધુ વ્યુહાત્મક વિકલ્પો આપ્યા છે.
આ નિયમને લઈને માત્ર નિષ્ણાતો કે ફેન્સે જ સવાલો નથી ઉઠાવ્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ભારતીય દિગ્ગજો પણ આ નિયમ પ્રત્યે પોતાની અસહમતી દર્શાવી ચૂક્યા છે. છેલ્લી સિઝન દરમિયાન યોજાયેલી બેઠકમાં ઘણી ટીમોના કેપ્ટનોએ આ નિયમનો વિરોધ કર્યો હતો.
મે મહિનામાં દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, "BCCIને IPL ટીમો તરફથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સામે કોઈ સત્તાવાર ફરિયાદ નથી મળી. ટુર્નામેન્ટમાં માત્ર 200+ ના સ્કોર જ નથી બન્યા, પરંતુ કેટલાક ઓછા સ્કોર વાળા મુકાબલા અને બોલર્સનું પ્રભાવશાળી પ્રદર્શન પણ જોવા મળ્યું છે." સૈકિયાના જણાવ્યા પ્રમાણે બોર્ડ છેલ્લા બે વર્ષથી આ વ્યવસ્થા પર ચર્ચા કરી રહ્યું છે. ફ્રેન્ચાઈઝી ટીમો તરફથી સત્તાવાર ચિંતા સામે આવ્યા બાદ જ તેની સમીક્ષાને આગળ વધારવાની હતી. હવે તમામ ટીમો પાસેથી સીધું ફીડબેક માગવું એ જ પ્રક્રિયાનો આગળનો તબક્કો માનવામાં આવી રહ્યો છે.
31 ઓગસ્ટ સુધી ફ્રેન્ચાઈઝીઓનો અભિપ્રાય મળ્યા બાદ BCCI પાસે ત્રણ વિકલ્પ હોઈ શકે છે- હાલના નિયમને યથાવત રાખવો, તેમાં ફેરફાર કરવો અથવા તેને હટાવી દેવો. હાલમાં બોર્ડે આમાંથી કોઈ વિકલ્પ પર નિર્ણય લીધો નથી. જો ફ્રેન્ચાઈઝી ટીમોના સૂચનોમાં વ્યાપક ફેરફારની માંગ સામે આવે છે, તો આગામી સિઝન પહેલા ઈમ્પેક્ટ પ્લેયર રુલના નિયમોમાં સુધારાની શક્યતા બની શકે છે.

